આયાતો અને નિકાસ રવાનગી ખોરવાઈ જવાની તૈયારીમાં

આયાતો અને નિકાસ રવાનગી ખોરવાઈ જવાની તૈયારીમાં
વિદેશી જહાજો ભારતીય બંદરોને ચાતરી જવા લાગ્યાં છે 
મુંબઈ, તા. 7 એપ્રિલ
સ્થાનિક ઉદ્યોગો, વેપાર, ધંધા અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પછી હવે કોરોના વાઇરસના પ્રતાપે દેશનો વિદેશવેપાર ખોરવાઈ રહ્યો છે. મોટી વિદેશી શાપિંગ કંપનીઓનાં જહાજોએ ભારતીય બંદરો પર રોકાવાનું ઓછું કરી નાખ્યું છે. ર્મસ્ર્ક  લાઈન, મેડિટેરેનિયન શાપિંગ કંપની, સીએમએ સીજીએમ એસએ, હાપાગ-લોઇડ એજી અને કોસ્કો શાપિંગ લાઇન્સ જેવી મોટી અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જહાજી કંપનીઓનાં જહાજો મુંબઈ અને મુન્દ્રા જેવાં કન્ટેઇનરોની હેરફેર માટેના ટોચનાં બંદરોને ચાતરી જવા લાગ્યાં છે. 
શાપિંગ ઉદ્યોગના અગ્રણીઓ આને માટે આયાતોના ક્લિયરન્સમાં થઇ રહેલો વિલંબ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ મંદ પડવાથી ઘટી ગયેલી નિકાસને જવાબદાર લેખે છે. તેમના મતે કોરોના વાઇરસનો ફેલાવો રોક્વા માટે લેવાયેલાં પગલાંથી દેશનો વિદેશવેપાર ખોરવાઈ જવાની તૈયારીમાં છે એની આ નિશાની છે. `િશાપિંગ લાઈનો જેએનપીટી અને મુન્દ્રાને ચાતરી જાય છે કારણ કે આયાતો ક્લિયર થતી નથી અને નિકાસ છે નહિ. જહાજો નિકાસ વગર સફર શરૂ કરી શકે નહિ. તેમાં આવક કરતા ખર્ચ વધુ હોવાથી શાપિંગ કંપનીઓને નુકસાન જાય છે`, એમ એક યુરોપિયન કન્ટેઇનર લાઈનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 
`માગમાં જબ્બર ઘટાડો થયો હોવાથી અમારાં જહાજો પશ્ચિમ એશિયા/ભારતીય ઉપખંડ અને યુરોપ/ભૂમધ્ય સમુદ્રના દેશો વચ્ચે અવરજવર નહિ કરે,` એમ વિશ્વની સૌથી મોટી કન્ટેઇનર વાહક કંપની ર્મસ્ર્ક લાઇન્સે તેના ગ્રાહકોને એક નિવેદનમાં જણાવ્યું હતું. સામાન્ય રીતે કન્ટેઈનરોની હેરફેર શાપિંગ કંપનીઓનાં કોન્સોર્શીયમ દ્વારા થાય છે અને દરેક ભાગીદાર તેને અલગ નામથીં ઓળખે છે.   
અગાઉ જે કંપનીઓનાં જહાજો દર અઠવાડિયે જેએનપીટી અને મુન્દ્રા આવતાં હતાં તે હવે બે સપ્તાહમાં એક વાર આવે છે કેમ કે તેમની સેવાઓની માગ ઓછી થઇ ગઈ છે. મેડિટેરેનિયન શાપિંગ કંપનીનાં જહાજોએ જેએનપીટી આવવાનું બંધ કર્યું છે. તે ઉપરાંત સીએમએ સીજીએમ, હાપાગ-લોઇડ અને કોસ્કો શાપિંગ લાઇન્સે જેએનપીટી અને મુન્દ્રાથી એન્ટવર્પ, હેમ્બર્ગ, રોટરડામ, લે હાવરે અને લંડન વચ્ચેની સેવાઓ બંધ કરી છે. સીએમએ સીજીએમ અને હાપાગ-લોઇડે ભારત અને આફ્રિકા વચ્ચેની સ્વાહિલી એક્સપ્રેસ સેવાઓ પણ બંધ કરી છે.  
`સેવાઓ બંધ કરવાનો નિર્ણય મુખ્યત્વે નિકાસના નજીવા જથ્થાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આયાતકારો અને કન્સાઈનીઓ પોતે મગાવેલા માલની ડિલિવરી નહીં લે ત્યાં સુધી આ સમસ્યા રહેવાની. પણ ફેક્ટરીઓ બંધ હોવાથી આનો ઉકેલ આવવાની શક્યતા ઓછી છે`, એમ એક મુંબઈસ્થિત ફોરવર્ડિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.  
જેએનપીટી અને મુન્દ્રા બંદરો પરનાં સીએફએસ (કન્ટેઇનર ફ્રેટ સ્ટેશન)ના ઓપરેટરોએ આયાતકારોને વિનંતી કરી છે કે પોતાનાં કન્ટેઈનરો સીએફએસમાંથી સત્વરે ખાલી કરી જાય; નહીંતર થોડા સમયમાં તે આયાતોનો ભરાવો થવાથી ગૂંગળાઈ જશે. બીજી બાજુ ફેક્ટરીઓ બંધ થવાથી તેમ જ કામદારોના અભાવે નિકાસને અસર થઇ છે. 
કંપનીઓ ભારતનાં બંદરોને ચાતરી જવા લાગી છે કેમ કે આયાતી માલ ખાલી કર્યા પછી એમણે અહીંથી નિકાસ કન્ટેઇનર વગર ખાલી હાથે સફર કરવી પડે છે. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer