હાઇડ્રોક્ષીક્લોરોકવીનની દસ કરોડ ટેબ્લેટનો બફર સ્ટોક ઊભો કરવામાં આવશે

હાઇડ્રોક્ષીક્લોરોકવીનની દસ કરોડ ટેબ્લેટનો બફર સ્ટોક ઊભો કરવામાં આવશે
શિરીષ મહેતા તરફથી 
 મુંબઈ,તા. 7 એપ્રિલ
કોરોના વાઇરસ સામે લડવા માટે હાઇડ્રોક્ષીક્લોરોકવીનનો દેશમાં દસ કરોડ ટેબ્લેટનો બફર સ્ટોક થઇ ગયા બાદ સરકાર તેની નિકાસ ઉપરનો પ્રતિબંધ સંપૂર્ણ ઉઠાવી લે તેવી શક્યતા છે. આ ઔષધિના ઉત્પાદકોએ સરકારને બાંહેધરી આપી છે કે આવનારા પંદરેક દિવસમાં આટલો સ્ટોક થઇ જશે.  
અત્યારે દેશમાં હાઇડ્રોક્ષીક્લોરોકવીનની 45 ટનની ઉપાદન ક્ષમતા છે, જેમાંથી 15 ટકાનો વપરાશ થાય તો પણ તેમાંથી  20 કરોડ ટેબ્લેટ બની શકે. હાઇડ્રોક્ષીક્લોરોકવીનનું ઉત્પાદન ઝાયડસ કેડિલા અને ઈપકા લેબોરેટરીઝ અને કેટલાક નાના એકમો દ્વારા કરવામાં આવે છે. આ ઉપાદકો 15 ટકા જેટલું ઉત્પાદન દેશમાં વેચીને બાકીનાની નિકાસ  કરે છે.  
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ દોશીએ વ્યાપારને કહ્યું કે હાઇડ્રોક્ષીક્લોરોકવીનનો બફર સ્ટોક થઇ ગયા બાદ સરકાર ઉપાદકોને નિકાસ માટે પરવાનગી આપે તેવી ઉત્પાદકોની માંગણી છે. ઉત્પાદકો દેશની આંતરિક માંગ પહેલા પુરી કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું. 
હાઇડ્રોક્ષીક્લોરોકવીનની એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) કલોરોકવીન ફોસ્ફેટ છે, જેનું ઉત્પાદન પણ ઈપકા લેબોરેટરીઝ કરે છે. જોકે, કલોરોકવીન ફોસ્ફેટમાંથી મેલેરિયા ઉપરાંત અન્ય રોગો સામેની પણ દવા બને છે. તેથી ભારતને હાઇડ્રોક્ષીક્લોરોકવીનના પુરવઠા  બાબત ચીન ઉપર જરાય આધાર રાખવો પડે તેવી સ્થિતિ નથી, એમ તેમણે એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું.  
સરકારે હાઇડ્રોક્ષીક્લોરોકવીન અને  પેઇન કિલર પેરાસીટામોલની નિકાસને પ્રત્યેક કેસની ગુણવત્તાના આધારે અને માનવતાના ધોરણે જ કરવા દેવાનો નિર્ણય કર્યો છે. સરકારે આજે પાડોશી દેશોમાં આ બે ઔષધોની નિકાસ માટે મંજૂરી આપી હતી. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer