બ્રિટનમાં મૃત્યુ પામેલા યુવાન પુત્રના મૃતદેહની રાહ જોઈ રહ્યો છે પુણેનો પરિવાર

પ્રિસ્ટનની યુનિવર્સિટીમાં ભણતો સિદ્ધાર્થ 18 દિવસ ગાયબ રહ્યા બાદ બે એપ્રિલે મૃતદેહ નદી કિનારે મળ્યો 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 7 : પુણેના મુરકુંબી પરિવારના 23 વર્ષના પુત્ર સિદ્ધાર્થનો મૃતદેહ બીજી એપ્રિલે બ્રિટનની એક નદીના કાંઠે મળ્યા બાદ હજુ સુધી પુણે પહોંચ્યો નથી. હાલમાં કોરોના સંબંધી નિયંત્રણોના કારણે આ પરિવાર પરેશાન છે. પ્રિસ્ટનની યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ લેન્કેશાયરમાં એમબીએનો અભ્યાસ કરવા સિદ્ધાર્થ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિટન ગયો હતો અને યુનિવર્સિટીની હોસ્ટેલના કેમ્પસમાંથી તે 18 દિવસથી ગાયબ હતો અને આખરે તેનો મૃતદેહ સ્થાનિક નદીના કિનારે મળી આવ્યો હતો.  
પરેશાન પિતા શંકર મુરકુંબીએ કહ્યું હતું કે સિદ્ધાર્થ અન્ય છ ભારતીય વિદ્યાર્થીઓ સાથે આ હોસ્ટેલમાં રહેતો હતો અને 15 માર્ચે મેં ફોન કર્યો તો તેણે મને કહ્યું હતું કે હું હોસ્ટેલની બહાર છું અને અમે રૂમ પાર્ટનરો સાંજે બહાર એક રેસ્ટોરામાં સાથે જમવાના છીએ.  
જો કે મોડી રાત્રે પણ સિદ્ધાર્થ હોસ્ટેલમાં પરત ન ફરતા તેના રૂમ પાર્ટનરોએ કેમ્પસની સિક્યોરિટીને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસને મોબાઇલ ફોનના લોકેશન પરથી સિદ્ધાર્થનો મૃતદેહ સ્થાનિક નદી રિબલના કિનારેથી વીસ દિવસ બાદ મળી આવ્યો હતો. સર્ચ ઓપરેશન સાવ નિષ્ફળ રહ્યું હતું. તેના પિતાના જણાવ્યા પ્રમાણે પોલીસે અમને કહ્યું હતું કે નદીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું છે. પરંતુ અમે ઓટોપ્સી રિપોર્ટની રાહમાં છીએ. જોકે આ પરિવાર 16 માર્ચથી જ પરેશાન છે અને મુશ્કેલ સમયમાં પણ યુકે પોલીસ તેમ જ એમ્બસીના સતત સંપર્કમાં છે.  
નિરાશ પિતાએ કહ્યું હતું કે અમે પુત્રનો મૃતદેહ ઘરે લાવવા માગીએ છીએ પરંતુ હાલમાં કોરોનાના કારણે અડચણો છે. હાલમાં માત્ર રાહત સામગ્રી માટે જ વિમાનો ઉડાનો ભરે છે. આ અઠવાડિયે મુંબઈ-લંડન વચ્ચે એર ઇન્ડિયાના એક વિમાને રાહત સામગ્રી સાથે ઉડાન ભરી હતી તેમાં મારા પુત્રનો મૃતદેહ મોકલવા બ્રિટિશ સરકાર સંમત હતી પરંતુ આપણા અધિકારીઓએ બ્રિટનમાં કહ્યું કે કદાચ ભારત સરકાર આ માટે રાજી નહીં થાય.  
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer