તબલિઘી જમાતની મરકઝમાં ભાગ લેનારા 150 વિરુધ્ધ નોંધાયો એફઆઇઆર

તબલિઘી જમાતની મરકઝમાં ભાગ લેનારા 150 વિરુધ્ધ નોંધાયો એફઆઇઆર
મુંબઇ, તા. 7: ગયા મિહને દિલ્હીના નિઝામુદ્દીનમાં યોજાયેલી તબલિઘી જમાતની મરકઝમાં ભાગ લેનારા 150 જણા વિરુધ્ધ મુંબઇ પોલીસે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર ધણા વિદેશીઓ જે કોવિદ-19ના શંકાસ્પદ દરદીઓ હતા તેમણે આ મરકઝમાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા આ ચેપ બીજાને લાગ્યો હોઇ શકે. ત્યાર બાદ આ સભ્યો અન્ય રાજયોમાં જતા રહ્યા હતા અને ત્યાં પણ તેમના થકી અન્યોને ચેપ લાગ્યાનું બની શકે. સરકારની આટઆટલી વિનંતી બાદ પણ તેઓ આગળ આવતા નથી અને તેમના દ્વારા આ ચેપનો પ્રસાર વધુ થાય એવી શકયતા છે. આથી જમાતના સભ્યો વિરુધ્ધ ગુનો નોંધાયો છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હેમંત પરબે કરેલી ફરિયાદને આધારે એફઆઇઆર નોંધાયાનું જાણવા મળ્યું છે. આરોપીઓ વિરુધ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 188, 269 ( ચેપ પ્રસારવાનું અવગણી ન શકાય એવું કામ કરવા બદ્લ ) અને 270 (જીવલેણ ચેપ પ્રસારવાનો બદઇરાદો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે હજુ સુધી કોઇ ધરપકડ થઇ નથી. 
તબલિધી જમાતના વકીલ સૈયદ અકમલ રિઝવીએ કહ્યું હતું કે, એફઆઇઆર નોંધવાથી તો સભ્યો વધુ ડરી જશે. આના બદલે સરકાર અને ફરિયાદી પક્ષે ચેપી સભ્યો સામેથી બહાર આવે એ બાબત પર ધ્યાન આપવું જોઇએ. 
દરમિયાન પોલીસ લોકડાઉનને ગંભીરતાથી ન લેનારાઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. 20 માર્ચથી અત્યાર સુધીમાં આવા 1039 કેસ નોંધાયા છે.  
Published on: Wed, 08 Apr 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer