બડા કબ્રસ્તાનમાં કોરોનાના મૃતકોની દફનવિધિ : ચીરાબજારમાં ગભરાટ

બડા કબ્રસ્તાનમાં કોરોનાના મૃતકોની દફનવિધિ : ચીરાબજારમાં ગભરાટ
મુંબઈ, તા. 7: મુંબઈમાં કબ્રસ્તાનોમાં કોરોનાને લઈ મૃત્યુ પામેલાઓની દફનવિધિ કરવામાં ઈન્કાર કરવામાં આવતા આ બધા મૃતદેહો ચંદનવાડી પાસેના વડા કબ્રસ્તાનમાં લાવવામાં આવે છે. ચીરાબજાર જેવી ગીચ વસતિના એક ભાગમાં આવેલા આવા દસ પાર્થિક દેહની દફનવિધિ કરવામાં આવી છે તેને લઈ ચીરાબજારમાં ગભરાટનું વાતાવરણ છે. દફનવિધિ દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવતી હોવાનો દાવો પાલિકાના `સી' વોર્ડ કાર્યાલય દ્વારા કરવામાં આવ્યોછે. પરંતુ કબ્રસ્તાનની નીચેથી જલવાહિનીઓ જતી હોવાને કારણે ભવિષ્યમાં તેનો ત્રાસ થશે કે નહીં એવી શંકા સ્થાનિક તરફથી વ્યક્ત કરવામાં આવે છે. સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવક જનક સંથવીએ આ અંગે સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છે.
કોરોનાનો ભોગ બનેલાઓના મૃતહેદ દફન નહીં કરતા દહન કરવાનો આદેશ પાલિકા આયુક્ત પ્રવીણાસિંહ પરદેશીએ કર્યો હતો. પરંતુ કેટલીક મિનિટોમાં જ આ આદેશમાં બદલ કરીને આસપાસ નિર્જન ભાગ હોય એવા કબ્રસ્તાને જવાબદારી અને યોગ્ય કાળજી લઈ દફનવિધિ કરી શકશે એવો નવો આદેશ બહાર પાડયો હતો. આમ હોવા છતાં મુંબઈના અનેક કબ્રસ્તાનોએ કોરોનાને લઈ મૃત્યુ પામેલાઓના પાર્થિવ પર દફનવિધિ કરવાની મનાઈ ફરમાવી છે. કહેવાય છે કે મલાડમાં આ વિવાદને લઈ એકનો મૃતદેહ દફન કરવાને બદલે દહન કરવો પડયો હતો.
હવે આવા મૃતદેહો ચંદનવાડીના મોટા કબ્રસ્તાનમાં લાવવામાં આવે છે. બડા કબ્રસ્તાનના પશ્ચિમે મરીન લાઈન્સ રેલવે સ્ટેશન, દક્ષિણમાં સ. કા. પાટીલ ઉદ્યાન, ઉત્તરમાં કેટલીક નિવાસી બિલ્ડિગો, તો પૂર્વમાં વસતિથી ભરપૂર મકાનો ઉભા હોય એવો ચીરાબજાર પરિસર છે. બડા કબ્રસ્તાનમાં પાર પાડેલી આ દફનવિધિને લઈ નાગરિકોમાં ભારે ભયનું  વાતાવરણ છે. આ વિસ્તારને પાણી પુરવઠો કરનારી જલવાહિનીઓ બડા કબ્રસ્તાનની નીચેથી જાય છે તેને લઈ ભવિષ્યમાં આરોગ્યની દૃષ્ટિએ ભય હોવાના ડરથી રહેવાસીઓ ફફડી રહ્યા છે.
હવે પછી બડા કબ્રસ્તાનમાં કોરોનાને લઈ મૃત્યુ પામેલાઓની દફનવિધિ કરવામાં આવે નહીં એવી માગણી સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. આ અંગે પાલિકાના `સી' વોર્ડ કાર્યાલયોના અધિકારીઓને સંપર્ક કરવામાં આવતા તેઓએ યોગ્ય કાળજી લઈ દફનવિધિ કરવામાં આવે છે એમ જણાવ્યું છે.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer