સુરતમાં પોઝિટિવ દરદીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો : એકનું મોત

સુરતમાં પોઝિટિવ દરદીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો : એકનું મોત
સુરત, તા. 7 : ટેક્સટાઈલ સીટી સુરતમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ ત્રણ પોઝિટિવ દર્દીઓ સાથે આંકડો 22 ઉપર પહોંચ્યો છે. આ સાથે શહેરનાં રાંદેર વિસ્તારનાં એક વૃધ્ધનું પણ મોત નીપજ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઝડપભેર વધતાં લોકલ ટ્રાન્સમીશન વધ્યું છે. રાંદેર ઝોનને માસ કોરેન્ટાઈન કરાયા બાદ આજે ડભોલી બ્રીજથી શરૂ કરીને અડાજણ પાટીયા સુધીનાં વિસ્તારને ફરજીયાત હોમ કોરેન્ટાઈન જાહેર કરાયો છે.  
શહેરમાં આજે વધુ ત્રણ દર્દીઓનાં કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રાંદેર વિસ્તારનાં ઝૂબેદા અબ્દૂલ સતાર (ઉ.67), અડાજન પાટિયાનાં રહેવાસી ઝીન્નત કુરેશી(ઉ.42), રામપુરાની લોખાત હોસ્પિટલના એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર સાજીદ અબ્દુલ રહેમાન અન્સારી(ઉ.40)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાંદેર વિસ્તારનાં 52 વર્ષીય કોરોના પોઝિટિવ અહેસાન રસીદ ખાનનું મૃત્યુ થતાં શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓનો પોઝિટિવ આંક ત્રણ પર પહોંચ્યો છે.  
સુરતમાં ચિંતાજનક રીતે કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. મનપા કમિશ્નર બછાનીધિ પાનીએ શંકાસ્પદ દર્દીઓ ઉપરાંત મોટી સંખ્યામાં માસ ટેસ્ટીંગ પોલીસી અમલમાં મૂકવાનું જાહેર કર્યુ હતું. રાંદેરથી અડાજણનો ત્રણ કિલોમીટરનો સમગ્ર વિસ્તારને કલ્સ્ટર જાહેર કરાયા બાદ તમામ લાકોને  ફરજીયાત કોરેન્ટાઈન કરાયા છે. આજે આરોગ્ય વિભાગની ટીમે અડાજણ-રાંદેર વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી કરી હતી.  
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer