ટી-20 વર્લ્ડ કપનું સ્થગિત થવું નિશ્ચિત

ટી-20 વર્લ્ડ કપનું સ્થગિત થવું નિશ્ચિત
આવતા સપ્તાહે જાહેરાત થશે: ક્યારે આયોજન કરવું તે અંગે અસમંજસ
મુંબઈ, તા. 22 : આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઇસીસી ટી-20 વર્લ્ડ કપનું સ્થગિત થવું નિશ્ચિત માનવામાં આવી રહયું છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આ વિશ્વ કપનું આયોજન ઓકટોબર-નવેમ્બરમાં થવાનું છે, પરંતુ કોરોના મહામારીને લીધે હવે તેને ટાળી દેવામાં આવશે તેવા રિપોર્ટ છે. જેની સત્તાવાર ઘોષણા આવતા સપ્તાહે કરવામાં આવશે. આઇસીસી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને આ વૈશ્વિક ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓ માટે મોટો સવાલ એ છે કે આખરે કયારે ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે.
હાલમાં આ માટે ત્રણ વિકલ્પ ચર્ચામાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટી-20 વિશ્વ કપને ફેબ્રુઆરી-માર્ચ 2021માં કરવા ઇચ્છુક છે. પણ એક સમસ્યા છે. અને તે છે ટી-20નો ઓવરડોઝ. એપ્રિલમાં આવતા વર્ષે આઇપીએલ રમાશે. આથી ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ સંકટમાં મુકાશે. આથી પ્રસારણકર્તા પણ તેમનો પક્ષ રાખશે. બીસીસીઆઇ 2021માં ટી-20 વર્લ્ડ કપના આયોજન કરવા પર રાજી નથી. તે 2022માં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ પર ભાર મુકી રહયું છે. 
જયાં સુધી આ વખતના ટી-20 વર્લ્ડ કપને ટાળી દેવાની વાત છે તો તેની જાહેરાત 26 થી 28 મે વચ્ચે થઇ શકે છે. આ દરમિયાન આઇસીસીના સદસ્યોની ટેલિકોન્ફરન્સ છે. આ બેઠકમાં મહત્વના ત્રણ મુદા પર ચર્ચા થવાની છે. પહેલો મુદો ટી-20 વર્લ્ડ કપ ટાળવો. બીજો નવા ચેરમેન માટેની ચૂંટણી કરવાની તારીખ નકકી કરવી અને ત્રીજો મુદો કઇ રીતે પ્રક્રિયા કરવી તે છે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer