મહારાષ્ટ્ર સરકાર 15 જૂનથી શાળાઓ તબક્કાવાર ખોલવાનું વિચારે છે

મુંબઈ, તા. 24 : દેશમાં કોરોના વાઈરસના ચેપનું કેન્દ્ર બિન્દુ ગણાતા મહારાષ્ટ્રમાં સરકાર 15 જૂનથી શાળાઓ ખોલવાનું વિચારે છે. રાજ્યનાં શાળા શિક્ષણ ખાતાના પ્રધાન વર્ષા ગાયકવાડે એવો નિર્દેશ આપ્યો છે કે શાળાઓ તબક્કાવાર ખોલવામાં આવશે અને બિન રેડ ઝૉનની શાળાઓ પ્રથમ ખોલવામાં આવશે. 
 લૉકડાઉનના ચોથા તબક્કામાં મુંબઈ, પૂણે, થાણે, નાગપુર અને અન્ય 1પ શહેરોને રેડ ઝૉનમાં ગણવામાં આવ્યાં છે. 22 મેથી નોન રેડ ઝૉનમાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. ગાયકવાડે વર્ગો પાળીઓમાં ચલાવવા, શાળાના કલાક ઓછા કરવા, સવારે ગ્રુપમાં શાળામાં મળવું નહીં અને રમત ગમતની પ્રવૃતિ કરવી નહીં વગેરે જેવા નિયમો પાળવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી સોસિયલ ડીસ્ટંસીંગ જાળવી શકાય. એકી સંખ્યાના રોલ નંબર ધરાવતા બાળકોને પ્રથમ પાળીમાં અને બેકી સંખ્યાના રોલ નંબરવાળાને બીજી પાળીમાં બોલાવવાની યોજના છે. બીજા વિકલ્પ તરીકે એક બૅચના વિધાર્થીઓને એક દિવસ અને બીજા બૅચને બીજા દિવસે બોલાવવાનું પણ વિચારાયું છે, એમ તેમણે જણાવ્યું હતું. 
 વિધાર્થીઓ વચ્ચે શારિરીક અંતર જાળવવું અનિવાર્ય છે આથી એક ડેસ્ક પર એક જ વિધાર્થી બેસશે.  મુંબઈ અને અન્ય રેડ ઝૉનમાંની શાળાઓ ખોલતાં પહેલાં પરિસ્થિતિ સુધરવાની જરૂર છે. રાજ્યમાં સપ્તાહમાં 48 કલાક ભણાવવાનો નિયમ છે પરંતુ આ સંજોગોમાં કલાક અડધા જેટલા ઘટાડવાની યોજના છે.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer