લોકડાઉને માતા પુત્રીને વિખૂટા કર્યા 13 વર્ષની દીકરી માહિમમાં એકલી, માતા દુબઈમાં અટવાઇ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 24 : દેશવ્યાપી લોકડાઉન થયું ત્યારથી માહીમની એક 13 વર્ષીય કિશોરી તેના ઘરમકામ કરનારાની દેખરેખમાં એકલી પોતાના ઘરમાં છે. સ્કૂલમાં ભણતી આ કિશોરીની માતા લોકડાઉન થયા અગાઉ ચાર દિવસની દુબઈની બિઝનેસ ટ્રીપ પર ગઇ હતી અને લગભગ 70 દિવસથી ત્યાં અટવાયેલી છે. પુત્રી પાસે પરત આવવા તલપાપડ માતા  રુચિરા વર્મા સ્વદેશ આવવાના અનેક પ્રયાસો કરી ચૂકી છે પરંતું હજુ સુધી તેને સફળતા નથી મળી.  
વર્માએ દુબઇથી ફોન પર વાતચીતમાં કહ્યું હતું કે જે દિવસે મારે દુબઇથી ઉડાન ભરવાની હતી તે દિવસથી જ દેશમાં લોકડાઉન શરૂ થઈ ગયું. દુબઇમાં કોઈ કુટુંબી અથવા નજીકના મિત્રો નથી,  તેથી બે મહિનાથી વધુ સમયથી તે એક હોટલમાં છે. વર્મે કહ્યું હતું કે અહીં એક માત્ર તાજ હોટલ ખુલી છે. હવે પૈસા ખૂટ્યા છે તેથી ઉધારીથી કામ ચાલે છે. હું બનતી ત્વરાથી મારી પુત્રીને મળવા માગુ છું.  
તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેનો ટ્વિટર પર સંપર્ક થયો પરંતુ હાલમાં મુંબઈમાં કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ઓપરેશન નથી, વિમાન સર્વિસ ફરી શરૂ થાય ત્યારે પણ, વૃદ્ધોને, દર્દીઓને પ્રાધાન્ય આપવામાં આવશે આનો અર્થ એ છે કે જ્યાં સુધી મને પ્રાધાન્ય આપવામાં નહીં આવે ત્યાં સુધી મારી દિકરી ઘરે એકલી જ રહેશે. 13 વર્ષની શાયલા સાન્તાક્રુઝની પોદાર સ્કૂલમાં 9 મા ધોરણની વિદ્યાર્થિની છે, તેણે જણાવ્યું હતું કે માતાને મળવાની પ્રતીક્ષાનો જલદીથી અંત આવે એવી આશા છે. તેના ઓનલાઇન વર્ગો શરૂ થઈ ગયા છે અને ઓનલાઇન ટ્યુશનમાં પણ ભાગ લઈ રહી છે. વર્માએ કહ્યું હતું કે તે પુત્રી માટે એક સ્માર્ટ ફોન છોડી ગઇ હતી જે હવે તેને કામ આવે છે.   
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer