અમદાવાદની સિવિલ હૉસ્પિટલ અંધારિયા કેદખાના કરતાં પણ બદતર : ગુજરાત હાઈકોર્ટે લીધો ઉધડો

અમદાવાદ, તા. 24 : રાજ્યમાં કોવિદની પરિસ્થિતિ પર `કૃત્રિમરીતે અંકુશ' મેળવવાનો પ્રયાસ કરનાર ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં કોવિદની સારવાર માટેની સરકારની મુખ્ય સુવિધા સમાન સિવિલ હોસ્પિટલને અંધારિયા કેદખાના જેવી કે કદાચ એનાથીયે બદતર ગણાવી હતી.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કોરોનાને કારણે 377 મૃત્યુ થયાં છે જે રાજ્યમાં થયેલા કુલ મૃત્યુના 4પ ટકા જેટલા છે. 
 કોવિદ-19 સંબંધી કેટલીક બાબતો અંગેની જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમુર્તિ ઈલેશ વોરાની બૅન્ચે કોરોનાના દરદીઓની સારવાર અને સુવિધાઓ સુધારવા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશો આપ્યા હતા. પરિસ્થિતિને `ડૂબતી ટાઈટેનિક' સાથે સરખાવતાં બૅન્ચે કહ્યું હતું કે એ ભારે વ્યથા અને દુ:ખ સાથે નોંધવું પડે છે કે આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં જે પરિસ્થિતિ છે એ અત્યંત દયનીય છે. અમને ખેદ સાથે કહેવું પડે છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અતિ કંગાળ હાલતમાં છે. અમે અગાઉ કહ્યું તેમ સિવિલ હોસ્પિટલ દરદીઓની સારવાર માટે છે પરંતુ આજે એવું લાગે છે કે તે એક કેદખાનું કે એનાથી બદતર
જગ્યા છે.  હાઈકોર્ટે હોસ્પિટલના ઈન્ચાર્જ અતિરિક્ત મુખ્ય સચિવ પંકજ કુમાર, સચિવ માલિંદ તોરવાને અને આરોગ્ય ખાતાના પ્રિન્સીપલ સેક્રેટરી જયંતિ રવિને ઠપકો આપતાં એવી પૃચ્છા કરી હતી કે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને મુખ્ય સચિવ અનીલને એ બાબતની જાણ છે ખરી કે દરદીઓ અને સ્ટાફને કઈ સમસ્યાઓ છે ? 
 ઊંચા મૃત્યુ દરને વેન્ટીલેટરની અછત સાથે સાંકળતાં કોર્ટે કહ્યું હતં કે વેન્ટીલેટરના અભાવથી સિવિલ હોસ્પિટલના દરદીઓ મરી રહ્યા છે એ હકિકતથી રાજ્ય સરકાર વાકેફ છે ખરી ? 
 અમદાવાદ શહેર અને તેની ભાગોળે આવેલી તમામ મલ્ટી સ્પેશિયાલીટી , ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં 50 ટકા બેડ ફરજિયાત કોવિદ દરદીઓ માટે રાખવાનું નોટિફીકેશન બહાર પાડવા કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer