નાંદેડમાં સાધુ અને સેવકની હત્યા

પોલીસે હત્યારાને તેલંગણમાંથી પકડયો, ચોરીના ઈરાદે ર્ક્યું ખૂન
ઔરંગાબાદ, તા. 24 : મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં નાગથાણાસ્થિત આશ્રમમાં રહેતા સાધુ અને તેમના સેવકની રવિવારે મળસ્કે હત્યા કરવામાં આવી હતી. પોલીસના હિસાબે હત્યા લૂંટના ઇરાદે કરાઈ હતી. 
દસ વરસ અગાઉ આરોપીના નામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. ઘટનાના થોડા કલાકોમાં જ આરોપીને તેલંગણાની બોર્ડર પરના તનુર પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. 
સુપરિન્ટેન્ડન્ટ અૉફ પોલીસ વિજયકુમાર માગરે કહ્યું કે, સાધુ શિવાચાર્ય નિર્ણય રૂદ્રપ્રતાપ મહારાજ (33) અને 50 વરસના ભગવાન શિંદેની ઉમરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાગઠાણા ખાતે પરોઢિયે ચાર વાગ્યે હત્યા કરાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ જ ગામમાં રહેતા રીઢા ગુનેગાર સાઇનાથ લિંગાડે ચિંચાલા ગામના વતની શિંદેને ઓળખતો હતો. 
એવી શક્યતા છે કે સાધુ જ્યાં રહેતા હતા એ આશ્રમથી 750 મીટરના અંતરે આવેલી જિલ્લા પરિષદની સ્કૂલ પાસે સાઇનાથ અને શિંદે મળ્યા હશે. લિંગાડેએ પહેલા શિંદેની હત્યા કરી એના શબને બાથરૂમમાં મુક્યા બાદ સાધુ રહેતા હતા ત્યાં જઈ સેવકની હત્યા કરી હશે, એમ સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું. 
સાધુની કારમાં જ એમનો મૃતદેહ મુકી લિંગાડેએ ભાગવાની કોશિશ કરી પણ કાર આશ્રમના ગેટને અથડાતા આજુબાજુના રહેવાસીઓ જાગી ગયા હતા. લોકો બહાર આવે એ દરમ્યાન આરોપી ટુ-વ્હીલર પર ભાગી છૂટ્યો. સાધુની બૉડી કારમાંથી મળી આવી હતી. લિંગાડે સામે દસ વરસ અગાઉ ધરમાબાદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હોવાનું એસપીએ જણાવ્યું. 
લિંગાડેની ધરપકડ બાદ માગરે જણાવ્યું કે 70 હજાર રૂપિયા અને લેપટોપ લઈને ભાગી છૂટેલા આરોપીનો ઇરાદો લૂંટનો હતો.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer