સુરતમાં કાપડ ઉદ્યોગ સાહસિક બન્યા કોરોના યોદ્ધા

સુરતમાં કાપડ ઉદ્યોગ સાહસિક બન્યા કોરોના યોદ્ધા
ડૉ. ગૌતમે હોમિયોપેથીની દર્દીઓને તપાસે છે અને દવાઓરનું વિતરણ  પણ કરે છે
ખ્યાતિ જોશી તરફથી
સુરત, તા. 24 : કોરાના વોરિયર્સની અનેક રોચક વાર્તાઓ આપણે સાંભળી અને જોઇ છે. ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેરમાંથી કોરાના વોરિયર્સની એક રસપ્રદ કહાની પ્રકાશમાં આવી છે. કાપડઉદ્યોગનાં સાહસિકે લોકડાઉનમાં કોરાના વોરિયર્સ તરીકેની જવાબદારી બખૂબી નિભાવી છે. ડો. ગૌતમ શિહોરાએ તેની ટીમ સાથે શહેરભરમાં હોમિયોપેથીની દવાનું વિતરણ કરવાનું બીડું ઝડપ્યું અને સિવિલ હોસ્પિટલમાં સામાન્ય બીમારીઓનાં દર્દીઓનો ભાર હળવો કરવા માટે ટ્રસ્ટ સંચાલિત દવાખાનાઓમાં દર્દીઓનાં ઇલાજ કરવાનું ઉમદા કાર્ય કર્યું છે.  
ડો. ગૌતમ સાથે થયેલી વાતચીતમાં તેઓ જણાવે છે કે,  હોમિયોપેથીનો અભ્યાસ કર્યા બાદ મેં થોડો સમય તબીબી પ્રેકટીસ કરી હતી. પરંતુ, મારું માઇન્ડ ધંધામાં જ લાગતું હોવાથી મેં તબીબી ક્ષેત્ર છોડીને કાપડઉદ્યોગમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. તબીબમાંથી ઉદ્યોગકાર બનવા માટે કપરા ચઢાણ ચડવા પડે તે હું પહેલેથી જ જાણતો હતો. આથી ખાસ્સી મહેનત બાદ આજે કાપડઉદ્યોગમાં નેરોફેબ્રીક્સ અને લેસ-પટ્ટીનાં વ્યવસાયમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.  
કાપડઉદ્યોગમાં વધુ એક નવા સાહસ સાથે આગળ વધવાનું પ્લાનીંગ કર્યું હતુ એવામાં કોરોના મહામારીએ દસ્તક આપતાં હાલમાં સમગ્ર આયોજન બે થી ચાર માસ થોભાવી દેવાનો વખત આવ્યો છે.
બીજી તરફ લોકડાઉનનાં પ્રથમ દિવસથી કોરોના મહામારીને કારણે ઉભી થયેલી કટોકટીમાં લડવા માટે તબીબી ક્ષેત્રે કઇ રીતે મદદરૂપ થઇ શકાય તે વિશે આગળ વધવાનું નક્કી કર્યું. કોરોનાનાં દર્દીઓ સહિત સામાન્ય લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથીનો ઉપચાર આવકાર્ય છે. આ માટે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ દવા પણ નક્કી કરાઇ છે.   
ઓલ ઇન્ડિયા હોમિયોપેથી એસોસીએશનનાં સુરત યુનિટનાં તબીબોની મદદથી અમે શહેરભરમાં હોમિયોપેથી ઇમ્યુનીટી બુસ્ટર આર્સેનિક આલ્બ 30 દવાનાં વિતરણનું કામ હાથ ધર્યું. શરૂઆતમાં ફંડની જરૂર પડી તે માટે અમારા જેવાં બીજા સાહસિકોએ ફંડ એકત્ર કરી તેનો પ્રશ્ન ઉકેલી નાખ્યો. ઇમ્યુનીટી બુસ્ટર દવાનાં ડોઝ બનાવવાનું શરૂ કરાયું. મહાનગરપાલિકાનાં સહયોગથી શહેરનાં મોટાભાગનાં ઝોનને કવર કરી દેવાયા છે. આજે શહેરભરનાં 45 લાખ ઘરોમાં હોમિયોપેથીની દવા નિ:શુલ્ક પહોંચાડવામાં આવી છે. તેમજ સુરત જીલ્લામાં ઠેકઠેકાણે દવાનું વિતરણ કરાયું છે. હજુ પણ વિતરણ કાર્ય ચાલું છે. હોમિયોપેથીની દવાની કોઇ આડઅસર નથી.  
લોકડાઉન દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા હતાં. ખાનગી તબીબોનાં ક્લીનીક બંધ હોવાથી સામાન્ય બીમારીઓ ધરાવતાં દર્દીઓની હાલત કફોડી બની હતી. એવામાં અમે શહેરમાં ટ્રસ્ટ સંચાલિત દવાખાનામાં સામાન્ય દર્દીઓની હોમિયોપેથીની દવાની સારવાર કરવાનો અવસર પણ મળ્યો છે. લોકડાઉન દરમ્યાન ફરી એક વખત જે અભ્યાસ કર્યો હતો તેનું કામ કરવાની તક મળતાં મનને આત્મસંતોષ થયો છે. કટોકટીનાં સમયે અભ્યાસ કામ લાગ્યો અને મન વ્યવસાય કરવા ઇચ્છે છે તો સામાન્ય જીવનમાં એ પણ કરવાની તક મારી પાસે અકબંધ છે.  
હોમિયોપેથીની સારવારનાં સારા પરિણામો અમને મળ્યા છે. ઇમ્યુનીટી બુસ્ટરથી ઘણાં લોકો કોવિડનાં સંભવિત દર્દી બનતાં અટક્યા છે. હોમિયોપેથી એસોસીએશનનાં તબીબોની ટીમ સાથે અમે સુરત મનપા સંચાલિત કોવિડ કેર સેન્ટર અને કોરેન્ટાઈન વિસ્તારમાં દવા વિતરણનું કામ સતત ચાલુ રાખ્યું છે. જે આગામી કેટલાક સમય સુધી ચાલતું રહેશે. 
લોકડાઉન 4.0માં ફરી એક વખત ઉદ્યોગ-ધંધાને શરૂ કરવાની તક મળતાં અમે અમારું યુનિટ પણ શરૂ કરવાનું આરંભ્યું છે. પણ આ સાથે હોમિયોપેથી દવા વિતરણ અને કોવિડનાં સંભવિત દર્દીઓને બનતાં અટકાવવાનાં કામમાં પણ લાગ્યા છીએ. 
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer