ઓછી માગને કારણે શાકભાજીના જથ્થાબંધ ભાવમાં કડાકો

ઓછી માગને કારણે શાકભાજીના જથ્થાબંધ ભાવમાં કડાકો
મુંબઈ, તા. 24 : બે મહિના પહેલાં કોરોના વાઈરસના કારણે રાષ્ટ્રીય લૉકડાઉન શરૂ થયું ત્યારથી રાજ્યોની જથ્થાબંધ બજારોમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.એમાં બટાટા એક માત્ર અપવાદ છે.મે 2019માં બટાટા જે પ્રતિ કિલો 20 રૂપિયાથી ઓછા ભાવમાં વેંચાતા હતા તેના ભાવ હાલ લગભગ બમણાં થયાં છે.  
 દેશના 19 રાજ્યોમાં 15 સામાન્ય શાકભાજીની ભાવ સપાટીનો અભ્યાસ કરતાં જણાયું હતું કે તેમના ભાવ બધા જ રાજ્યોમાં ઘટ્યા છે, ફક્ત બટાટા અને લીંબુના ભાવ વધ્યા છે. 
 રાજ્યો વચ્ચેની સીમાઓ સીલ કરવામાં આવતાં અને સપ્લાય ચેઈન ખોરવાઈ જતાં નાશવંત શાકભાજીની ગભરાટભરી વેચવાલી અને માગમાં ઘટાડો થતાં ભાવમાં કડાકો નોંધાયો છે. 
 કાંદાની વાત કરીએ તો લૉકડાઊન સાથે જ રવિ પાકની લણણી શરૂ થઈ હતી ત્યારે તેનુ પરિવહન થઈશક્યું નહીં અને હવે તે મારકેટમાં ઠલવાઈ રહ્યા છે, આથી તેના ભાવ ઘટી ગયા છે.  
 ભીંડાંના ભાવમાં છેલ્લા બે મહિનામાં 10 રાજ્યોમાં 40 ટકાનો ઘટાડો થયો છે. દૂધીના ભાવમાં 50 ટકાથી વધુ ઘટાડો થયો છે. રાજસ્થાનમાં લીલાં મરચાંના ભાવમાં માર્ચ મહિનાની સરખામણીમાં 40 ટકા અને મે 2019 કરતાં 50 ટકા ઘટ્યા છે.  
કર્ણાટકમાં ટામેટાના ભાવ પ્રતિ કિલો 5 રૂપિયાની આસપાસ થઈ ગયા છે જે મે 2019 કરતાં 80 ટકાનો ઘટાડો દર્શાવે છે. 
લૉકડાઉન દરમિયાન માત્ર બટાટા અને લીંબુના ભાવ વધ્યા છે.  જો કે કેટલીક એપીએમસીના અધિકારીઓના કહેવા મુજબ રેસ્ટોરાં હોટેલો જેવા જથ્થાબંધ ખરીદદારોની માંગ ધટવા ઉપરાંત લગ્ન સમારોહ સહિત તમામ જાહેર કાર્યક્રમો રદ થતાં માગ ઘટી છે.  
દરમિયાન રીટેલ બજારોમાં ભાવમાં એ પ્રમાણે ઘટાડો થયો નથી. રીટેલમાં બજારે બજારે ભાવમાં ફરક હોય છે.ખેડૂતોની આવક ઘટી છે પણ ગ્રાહકોને ફાયદો થયો છે.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer