મહારાષ્ટ્રમાં લોકડાઉન હજી લંબાઈ શકે છે

મહારાષ્ટ્રમાં લોકડાઉન હજી લંબાઈ શકે છે
ઉદ્ધવ ઠાકરે કહે છે, કોરોનાના કેસો હજી વધશે, બધાએ સાવધ રહેવાની જરૂર છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.24: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસના દરદીઓની સંખ્યામાં ખાસ્સો વધારો અપેક્ષિત હોવાથી 31 મે પછી પણ લોકડાઉન ખોલવાનું કદાચ સંભવ નહીં થાય.
મહારાષ્ટ્રના લોકોને કરેલા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે આવતા 15 દિવસ આપણાં બધા માટે મહત્વના છે. લોકોની હેરફેર વધશે અને એ સાથે કોરોના કેસો પણ વધશે. એટલે લોકડાઉનને તબક્કાર ખોલવો પડશે. 31 મેના લોકડાઉન ખતમ થઈ જશે એવું અત્યારે હું કહી શકું નહી. ઉપરથી ચોમાસુ માથે છે એટલે આપણે બધાએ વધુ સાવધ રહેવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે જે રીતે લોકડાઉન અચાનક અમલમાં આવ્યો એ ખોટું હતું અને એને અચાનક હટાવી પણ ન શકાય. ધીરે ધીરે એ હટાવાશે. રાજ્યમાં કોરોનાના કેસ વધવાના છે. મેના અંત સુધીમાં કેસોની સંખ્યા દોઢ લાખ થવાની છે એવો અંદાજ કેન્દ્રની ટીમે આપ્યો છે. કોરોનાના કેસો વધે તો પણ લોકોએ ગભરાવવાની જરૂર નથી. અત્યાર સુધી છથી સાત લાખ શ્રમિકોને તેમના વતન પરત મોકલ્યા છે. અમને રોજ 80 શ્રમિક સ્પેશિયલ ટ્રેન જોઈએ છે, પણ રોજ 40 જ મળે છે. અત્યાર સુધી રાજ્યમાંથી પરપ્રાંતિયોને લઈને 481 ટ્રેનો ગઈ છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું લોકડાઉનમાં અને ખેલકૂદ, મનોરંજનને અમે પરવાનગી આપવાનું વિચારી શકીએ છીએ. આ સંકટનો સમય છે એટલે કોઈએ રાજકારણ કરવું ન જોઈએ. હું રાજકારણ કરવાનો નથી અને હું પ્રમાણિક્તાથી કામ કરી રહ્યો છું. અત્યારે માણસાઈ બતાવવી એ મોટો ધર્મ છે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યને કેન્દ્ર સરકાર પાસેથી જીએસટીની જે રકમ લેવાની છે એ રકમ હજી મળી નથી. પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા પાછળ જે ખર્ચ થયો છે એ ખર્ચની રકમ પણ કેન્દ્રએ હજી આપી નથી. અમુક દવાઓની પણ ખેંચ છે.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer