હરભજનને ભારત માટે રમવાના હજુ પણ ઓરતા

હરભજનને ભારત માટે રમવાના હજુ પણ ઓરતા
ટી-20માં રમવા તૈયાર, પણ પસંદગીકારો બુઢ્ઢો ગણી રહ્યાની રાવ
નવી દિલ્હી, તા.25 : અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંઘે કહ્યંy છે કે તે હજુ ભારત માટે રમી શકે છે. જુલાઇમાં 40 વર્ષના થનાર આ ખેલાડીએ જણાવ્યું કે તે ટીમ ઇન્ડિયા તરફથી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં રમવા તૈયાર છે. તે કહે છે કે હું આઇપીએલમાં રમુ છું, આથી દેશ વતી પણ ટી-20 રમવા સક્ષમ છું. હરભજન સિંઘ આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે સંયુકત રૂપે ત્રીજા સ્થાને છે. તેના નામે આઇપીએલમાં 150 વિકેટ છે. હરભજન ભારત વતી છેલ્લે તેનો અંતિમ મેચ એશિયા કપમાં 2016માં રમ્યો હતો.
હરભજને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હું તૈયાર છું. જો હું આઇપીએલમાં સારી બોલિંગ કરી શકુ છું. અહીં બોલરોને ઘણી મુશ્કેલી પડતી હોય છે. કારણ કે મેદાન નાના હોય છે અને સામે દુનિયાના નામી બેટધરો હોય છે. આથી આઇપીએલમાં સ્પિરર્સ માટે હંમેશા ચુનૌતિ રહે છે. જો હું ત્યાં સારી બોલિંગ કરી શકતો હોવ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સારી બોલિંગ કરી શકુ છું. 
તે જણાવે છે કે મને દુ:ખ એ વાતનું છે કે પસંદગીકારો મને નજરઅંદાજ કરી રહ્યા છે. તે લોકો મારી તરફ જોતા નથી. તેમનું માનવું છે કે હું બુઢ્ઢો થઇ ચૂકયો છું. હું ઘરેલુ ક્રિકેટ પણ રમતો નથી. પાછલા ચાર-પાંચ વર્ષથી તેમણે મારી તરફ જોયું નથી. બીજી તરફ હું આઇપીએલમાં સતત સારો દેખાવ કરું છું. વિકેટ લઇ રહ્યો છું. તમે મારો રેકોર્ડ જોઇ શકો છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer