ત્રણ વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મહાન હોકી ખેલાડી બલબીર સિંહનું નિધન

ત્રણ વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મહાન હોકી ખેલાડી બલબીર સિંહનું નિધન
ચંદિગઢ, તા.25: ત્રણ વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મહાન હોકી ખેલાડી બલબીર સિંહ સિનિયરનું આજે સોમવારે નિધન થયું હતું. તેઓ પાછલા બે સપ્તાહથી હોસ્પિટલમાં હતા. 95 વર્ષીય બલબીર સિંહ આઝાદ ભારતના પ્રથમ ખેલ હીરો હતા. તેમનું આજે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સવારે 6-30 વાગ્યે નિધન થયું હતું અને આ સાથે જ ભારતના એક સુવર્ણ હોકી અધ્યાયનો અંત આવ્યો હતો. આ મહાન ખેલાડીના નિધન પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો અને બલબીર સિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
દેશના મહાન ખેલાડીઓમાં સામેલ બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી કમિટી દ્વારા પસંદ થયેલ આધુનિક ઓલિમ્પિક ઇતિહાસના 16 મહાનતમ ઓલિમ્પિયનોમાં સામેલ હતા. તેમણે હેલસિંકી ઓલિમ્પિક (1952)ના ફાઇનલમાં નેધરલેન્ડસ વિરુદ્ધ પાંચ ગોલનો રેકોર્ડ આજે પણ કાયમ છે. તેમને 1957માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. બલબીર સિંહે લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબોર્ન (19પ6) ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. તેઓ 1971માં કાંસ્ય ચંદ્રક જીતનારી અને 1975માં વિશ્વ કપ જીતનારી ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ હતા. તેઓ પાછલા કેટલાક સમયથી ફેફસાંની બીમારીથી પીડિત હતા.
તેમણે દેશને ઘણું ગર્વ અપાવ્યું:  મોદીની શ્રદ્ધાંજલિ
બલબીર સિંહના નિધન પર શોક પ્રગટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે પદ્મશ્રી બલબીર સિંહને ખેલોમાં તેમના યાદગાર પ્રદર્શનને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેઓ દેશમાં ખૂબ સારું ગર્વ અને સાહસ લાવ્યા. તેઓ નિ:સંદેહ એક શાનદાર હોકી ખેલાડી હતા. તેમણે મેન્ટરના રૂપમાં પણ ખાસ ઓળખ ઉભી કરી હતી. તેમના મૃત્યુથી ખૂબ જ દુ:ખ થયું છે. તેમના પરિવાર અને ચાહકોને મારી સંવેદના.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer