એમસીએક્સ ઉપર હવે કોમોડિટીઝમાં માઇનસ ભાવના સોદા થઇ શકશે

સફળ મોક ટ્રાડિંગ પછી સિસ્ટમનો અમલ થશે   
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 25 : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)એ કોમોડિટીઝમાં માઈનસ ભાવમાં સોદા પ્રાપ્ત કરી શકાય તે માટે સોફ્ટવેરમાં સુધારા કર્યા છે. 
એમસીએકસે એપીઆઈ આવૃત્તિ 17.6, 20 મે, 2020ની સુધારિત આવૃત્તિ સિસ્ટમમાં માઇનસ ભાવ મેળવીને તેમાં ટ્રેડ કરી શકાય તે માટે રિલીઝ કરી છે. આ એપીઆઈને એમ્પેનલ્ડ વેન્ડર અને સભ્યોના ડેવલપીંગ સોફ્ટવેર ઈન-હાઉસને પૂરું પાડવામાં આવ્યું છે.  
એક્સચેન્જે વધુમાં જણાવ્યું હતું કે વાયદા બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (સેબી)ની મંજૂરી પ્રાપ્ત થયા બાદ મોક ટ્રાડિંગ કરવામાં આવશે. તેની સફળતા બાદ એમસીએક્સના બ્રોકર્સ ક્રૂડ તેલ અને અન્ય કોમોડિટીઝ માટે રૂ.1થી નીચે અથવા તો નકારાત્મક (માઈનસ) ભાવે ટ્રેડ કરી શકશે. 
અમેરિકાના ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ (નાયમેક્સ) પર ગયા મહિને ડબલ્યૂટીઆઈ ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો બેરલદીઠ 37.67 ડોલર માઈનસમાં બંધ થયો હતો, જેના પગલે એમસીએક્સે કોન્ટ્રેક્ટના ધારાધોરણો મુજબ એપ્રિલ કોન્ટ્રેક્ટની પાકતી તારીખનો ભાવ બેરલદીઠ ઝીરોથી નીચે રૂ.2,884 માઈનસમાં નક્કી કરવો પડ્યો હતો. ક્રૂડ તેલના એપ્રિલ કોન્ટ્રેક્ટની નકારાત્મક પતાવટ પછી, ઘણા રોકાણકારોને ભારે નુકસાન થયું હતું અને મોટા દલાલોએ ક્રૂડ તેલમાં વેપાર પણ બંધ કરી દીધા હતા, જ્યારે કેટલાકે ક્રૂડ  ઓઇલના વાયદાના માર્જિનમાં નોંધપાત્ર વધારો કરીને વેપાર ચાલુ રાખ્યા હતા. આ નકારાત્મક ભાવની પતાવટના આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બ્રોકરો આ મામલે હાઇકોર્ટમાં ગયા હતા. જોકે, વડી અદાલતોએ બ્રોકરોને રાહત આપી ન હતી. આ પ્રકારનો મામલો ભવિષ્યમાં ન સર્જાય તે માટે બાદમાં એક્સચેન્જે વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ બનાવી હતી. એમસીએક્સે તેના 11 મેના પરિપત્રમાં જણાવ્યા મુજબ કોઈપણ ટ્રાડિંગ દિવસે જો ક્રૂડ તેલના કોન્ટ્રેક્ટનો ભાવ ટ્રાડિંગ સિસ્ટમમાં સૌથી નીચા ભાવે (એટલે કે રૂ.1) ફ્રીઝ થઈ જાય અને છેલ્લી 15 મિનિટ (હાલમાં રાત્રે 11.15થી 11.30 વાગ્યાનો છે) દરમિયાન તે જ સ્તરે રહે તો અને સંબંધિત આંતરરાષ્ટ્રીય સંદર્ભિત કોન્ટ્રેક્ટમાં નકારાત્મક ભાવે ટ્રાડિંગ થઈ રહ્યું હોય, ત્યારે એક્સચેન્જ વધારાની સુવિધા પૂરી પાડશે. આ સુવિધા અંતર્ગત, વેપારઓને તેમની ઓપન પોઝીશનોને બંધ કરવા અથવા સ્કેવર ઓફ કરવાની સુવિધા પૂરી પાડવા માટે એક અલગ ઓક્શન સત્ર હાથ ધરવામાં આવશે. પરંતુ આ સુવિધા કોન્ટ્રેક્ટની સમાપ્તિના દિવસે ઉપલબ્ધ થશે નહીં, તેમ પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer