હૉંગકૉંગની ઘટનાઓનો ઓછાયો આજે ભારતીય બજારોમાં પડવાની શક્યતા

એશિયન શૅરબજારોમાં મિશ્ર વલણ 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 25 : ઇદ-ઉલ-ફિત્રની જાહેર રજાને કારણે ભારતીય શેરબજાર આજે બંધ રહ્યા હતા, પણ એશિયન બજારો મિશ્ર ટોને બંધ રહ્યા હતા.  ચીન હોંગકોંગની સ્વાયત્તતા ઉપર અંકુશ મૂકતો કાયદો લાવી રહી હોવાથી આ ટાપુ રાષ્ટ્રમાં રાજકીય અશાંતિ વધશે તેવી શક્યતા વધી હતી.  હેંગસેંગ  0.15 ટકા નરમ હતો, પણ  ચીનનો શંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 0.15 ટકા વધ્યો હતો. જપાનનો નિક્કી 1.73 ટકા વધ્યો હતો. જપાન સરકારે કોરોના વાયરસના ઉપદ્રવના પગલે  લાદેલી કટોકટી પછી ખેંચી લેવાનો નિર્ણય લેતા નિકકી ઇન્ડેક્સમાં પોણા બે ટકાનો ઉછાળો આવ્યો હતો.   
ચીને સૂચિત નેશનલ સિક્યુરિટી કાયદો લાવવાની તૈયારી કરતાં હોંગકોંગમાં નવેસરથી દેખાવો શરૂ થયા હતા. આ કાયદાથી હોંગ કોંગની આંશિક અથવા અર્ધ સ્વાયત્તતા પણ જોખમમાં મૂકવાનો ભય નિર્માણ થયો છે. તેની સીધી અસર આંતર રાષ્ટ્રીય વેપાર ઉપર જોવા મળશે. હોંગ કોંગ ઉપર ચીન દમનનો કોરડો વીંઝશે તેવી શક્યતા સામે અમેરિકાએ ચીન ઉપર આર્થિક પ્રતિબંધો લાદવાની ચેતવણી આપતાં વાતગવર્ન ડહોળાયું છે.  બંને દેશો વચ્ચે ફરી શીત યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેની અસર ભારતીય શેર બજારો ઉપર આવતી કાલે જોવા મળે તેવી આશંકા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.  
શુક્રવારે અમેરિકન ફ્યુચર્સમાં આવેલા સુધારાની અસરે યુરોપના બજારોમાં સુધારો હતો.બાંધકામ અને ઔદ્યોગિક સામગ્રીના ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓના શેર્સમાં તેજી આવી હતી.  
લંડન શેર બજાર 0.37 ટકા ઘટ્યું હતું, જ્યારે જર્મન ડેક્સ આશરે 2 ટકા અને ફ્રાન્સનો સીએસી 1.4 ટકાના વધ્યા હતા. સોમવારે મેમોરિયલ ડે ની રજા હોવાથી અમેરિકાના ત્રણ મુખ્ય શેર બજારો આજે બંધ રહેશે.  
 આવતીકાલે બજારો ખુલશે ત્યારે એશિયન બજારોની અસર તેમાં જોવા મળશે. આવતા ગુરુવારે એક્સપાઈરીનો દિવસ હોવાથી રોકાણકારો તેમની પોઝિશન હળવી કરશે તો બજારમાં વધુ ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer