ડૉલર-શૅરબજારની તેજીથી સોનામાં નરમાઇ

ડૉલર-શૅરબજારની તેજીથી સોનામાં નરમાઇ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : ડોલરની તેજી અને વૈશ્વિક શેરબજારોમાં ઉછાળો આવવાને લીધે સોનામાં નફારુપી વેચવાલી દેખાઇ હતી. ન્યૂયોર્કમાં સોનું ઔંસદીઠ 1729 ડોલરની સપાટીએ રનીંગ હતુ. ચીન અને અમેરિકા વચ્ચે વેપારયુધ્ધ મામલે તનાવ ચાલી રહ્યો છે એટલે ઘટાડો મર્યાદિત રહ્યો છે.  
ઇદને લીધે અમેરિકા, બ્રિટન અને એશિયાઇ બજારોમાં રજા હતી એટલે ભાવમાં વધઘટ સાંકડી રહી હતી. જોકે બજારના ડ્રાઇવર તરીકે ડોલર રહ્યો હતો. ડોલરની તેજીએ સોનામાં વેચવાલી હતી. અલબત્ત અમેરિકા-ચીન વચ્ચેનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી મંદી થવાની શક્યતા નથી. બન્ને વચ્ચે ટ્રેડવોર તો ચાલુ જ હતી એવામાં હવે કોરોનાના જન્મસ્થાન વિષે વિવાદો થતા સંબંધો બગડ્યા છે. 
યુરોપીયન શેરબજારો આજે ચાલુ હતા પરંતુ ત્યાં લોકડાઉનમાં રાહતો મળી છે અને ઉદ્દીપક પેકેજ જાહેર થવાને લીધે તેજી હતી. આવનારા દિવસોમાં શેરબજારોમાં તેજી થાય તો સોનું નરમ પડી શકે છે. 
દરમિયાન એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો શુક્રવારે 0.4 ટકા વધતા 1116.71 ટનની રહી હતી. કોમેક્સ વાયદામાં સટ્ટોડિયાઓએ તેજીની પોઝીશનો વધારી હતી. 
ભારતીય બજારો ઇદને લીધે બંધ હતી. એમસીએક્સમાં સોનાનો જૂન વાયદો રુ. 276ના ઘટાડામાં રુ. 46,780 અને ચાંદીનો જુલાઇ વાયદો રુ. 508ના ઘટાડામાં રુ. 47,830 હતો.  ચાંદી ન્યૂયોર્કમાં 17.11 ડોલર હતી. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer