સરકાર દેશવ્યાપી ધોરણે એકસમાન કામદાર કાનૂન લાવશે

સરકાર દેશવ્યાપી ધોરણે એકસમાન કામદાર કાનૂન લાવશે
ભાજપશાસિત રાજ્યોના મોડેલનું અનુકરણ કરી   
નવી દિલ્હી, તા. 25 : ભાજપ શાસિત ત્રણ રાજ્યોએ તાજેતરમાં કરેલા કામદાર કાનૂનોમાં સુધારાને દેશવ્યાપી ધોરણે એક સરખો અમલ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર વટહુકમ લાવશે, એવું સૂત્રોએ જણાવ્યું છે.  
અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમનો વહીવટ અને ઉત્પાદન એકમો ચીનથી ખસેડીને ભારત લાવવાનું વિચારી રહી હોવાથી  કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે વિવિધ રાજ્યોના જુદાં જુદા કામદાર કાનૂનોમાં એકસૂત્રતા લાવીને તેનો  એકસમાન રાષ્ટ્રીય કાયદો બને. 
ભાજપ શાસિત રાજ્યો - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતે નવી કંપનીઓને તમામ નવી કંપનીઓને વર્તમાન કામદાર કાયદામાંથી શરતી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. આ સરકારોએ નવા એકમોને કામકાજના 8 કલાક વધારીને 12 કલાક કરવાની પણ અનુમતિ આપી છે. આ સુધારા જોઈને જુના એકમો પણ નવા એકમો માટે લાવામાં આવેલા સુધારાનો અમલ કરવા માગે છે અને તેમનો સમાવેશ સૂચિત સુધારામાં કરવાની વિનંતી કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે.  
 કેન્દ્રના શ્રમ મંત્રાલયે આ વિશે સંબંધિત પક્ષકારો સાથે મંત્રણા શરૂ કરી છે અને તેમના પ્રતિભાવો માગ્યા છે. કર્મચારીઓના હિતોની સુરક્ષા સાથે માલિકો માટે પણ વિકાસલક્ષી માહોલ તૈયાર કરવાની વિનંતી ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે. તેમની માંગણી છે કે નવા સુધારાનો લાભ માત્ર નવા એકમો પૂરતો મર્યાદિત નહીં રાખતા તમામ એકમોને તે મળવો જોઈએ.  
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ વેતન માટે કામદાર કાનૂનમાં સુધારા કરવાની દરખાસ્તને સરકારની માન્યતા મળી છે પરંતુ અમલ હજી શરૂ થયો નથી.  
ઔદ્યોગિક સંબધો, સુરક્ષા, આરોગ્ય, કર્મચારીઓની કામકાજની સ્થિતિ અને સામાજિક સુરક્ષાના મુદ્દા સંસદમાં વિવિધ સ્તરે વિચારાધીન અવસ્થામાં છે. આ સુધારાને ઝડપથી કાયદાનું સ્વરૂપ આપવાથી વિશેષત: અસંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓ અને કામદારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનીપ્રક્રિયા ઝડપી બનશે.  
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer