શ્રમિકો અંગે યોગીની ટ્વીટ બાદ રાજ ઠાકરેની ચીમકી

મુંબઈ, તા 25 : ઉત્તર પ્રદેશના મજૂરો અને કામગારોએ હવે મહારાષ્ટ્રમાં આવતી વખતે મહારાષ્ટ્ર સરકાર અને પોલીસની પરવાનગી લેવી પડશે. અન્યથા તેઓ આવી શકશે નહીં, એવી ચીમકી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશ સરકારને આપી હતી. 
ઉત્તર પ્રદેશના કામદારોની સાથે શિવસેના અને કોંગ્રેસે છેતરપીંડી કરી છે. લૉકડાઉન દરમ્યાન તેમના પ્રત્યે દુર્લક્ષ સેવવાની સાથે મહારાષ્ટ્ર છોડવાની ફરજ પડાઈ. આ મામલે ઉદ્ધવ ઠાકરેને કદી માફ કરી શકાય નહીં. એ સાથે ભવિષ્યમાં ઉત્તર પ્રદેશના શ્રમિકોની અન્ય રાજ્યને આવશ્યકતા હશે તો યુપી સરકાર પાસે પરવાનગી લેવી પડશે, એવું ટ્વીટ યોગીના કાર્યાલયે કરી હતી. આને પગલે નવો વિવાદ શરૂ થયો છે. 
યોગીના ટ્વીટ બાદ રાજ ઠાકરેએ તુરંત ટ્વીટ દ્વારા પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે, જો યોગીની આવી જ ભૂમિકા હશે તો મહારાષ્ટ્ર સરકારે એની ગંભીર નોંધ લેવી રહી. 
એ સાથે કામદારો આવે તો તેમની નોંધણી કરવામાં આવે. ઉપરાંત પોલીસ સ્ટેશનમાં તેમના ફોટાની સાથે તમામ વિગતોની નોંધ કરાયા બાદ જ મહારાષ્ટ્રમાં પ્રવેશ આપવામાં આવે એવી માગણી રાજ ઠાકરેએ કરી હતી. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer