ભાયંદરની સોસાયટીએ ટેરેસમાં બજાર ઊભી કરી, મેઈન્ટેનન્સ ઘટાડીને અડધું ર્ક્યું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : લૉકડાઉનના કપરા સમયમાં પોતાની હાઉસીંગ સોસાયટીનો દૂધનો પુરવઠો બંધ થઈ ગયો ત્યારે ડોમિનીક ફર્નાન્ડીઝે વિચાર્યુ કે સોસાયટી માટે મને કંઈ કરવું પડશે. અમે કન્ટેઈનમેન્ટ ઝૉનમાં હતા અને બાળકોને પીવા માટે દૂધ નહોતું. અમે ત્રણ જણ અમારી બાઈક પર દૂધના ડીસ્ટ્રીબ્યુટર પાસે પહોંચી ગયા,એમ ભાયંદર વેસ્ટની ગોકુલ ટેરેસા હાઉસીંગ સોસાયટીના ડોમિનીક જણાવે છે. 
 દૂધનો પુરવઠો કાયમ કર્યા બાદ ફર્નાન્ડીઝ અને તેના સહરહેવાસીઓએ અન્ય જીવનાવશ્યક ચીજો માટે તેમની સોસાયટીમાં જ મારકેટ ઊભી કરી દીધી છે.  
 સોસાયટીની મેનેજીંગ કમિટીએ હિસાબ માંડ્યો કે તેમની પાસે કેટલી રકમ અનામત છે. સોસાયટીના 10 સભ્યો એવા છે જેમને માર્ચથી પગાર મળ્યો નથી, તેઓ મેઈનટનંસ ભરી શકે એમ નથી. હિસાબમાં અમે જોયું કે જૂન સુધી મેઈનટનંસ બિલકુલ ન વસૂલીએ અને પછી ડીસેમ્બર સુધી 50 ટકા જ મેઈનટનંસ ઉઘરાવીએ તો ચાલી જાય એમ હતું.આથી એ નક્કી કર્યું, એમ ફર્નાન્ડીઝે જણાવ્યું હતું. 
 એ પછી નક્કી કર્યું કે સોસાયટીના 40 પરિવારોમાંથી કોઈને પણ ગ્રોસરી માટે બહાર જવું ન પડે અને તેમની જ બિલ્ડીંગમાં વ્યાજબી ભાવે અને તાજી શાકભાજી મળી રહેવી જોઈએ. ફર્નાન્ડીઝ અને તેની સાથે દિનેશ કદમ, સતીષ પવાર, શેખર આંચલ અને હસમુખ માયાવંશીએ સીધા જથ્થાબંધ વેપારી પાસેથી શાકભાજી અને ફળો ખરીદવાનું શરૂ કર્યું. ત્યારે રીટેલ દૂકાનો પર મોટી લાઈનો લાગતી હતી અને ભાવ પણ વધી ગયા હતા. ત્યારે આ સોસાયટીની ટીમે ટેરેસ પર જ મારકેટ ઊભી કરી દીધી. પ્રથમ દૂધ, ફળો અને શાકભાજીનું વેંચાણ શરૂ કર્યા બાદ અનાજ, દાળ, કઠોળ અને ખાધ તેલનું વેંચાણ શરૂ કર્યું , અને તે પણ રીટેલ બજાર કરતાં ઓછા ભાવે.  
 હોલસેલરો ખુશ હતા, બિલ્ડીંગના રહેવાસીઓ ખુશ છે કે તેમને બહાર ગયા વિના સસ્તા ભાવે ચીજો મળી રહી છે.સ્થાનિક રીટેલ દૂકાનદારોને પણ ભાવ ઘટાડવા પડ્યા છે,એમ ફર્નાન્ડીઝે જણાવ્યું હતું. સોસાયટી કાંદા 16 રૂપિયે કીલો, તુવેર દાળ 75 રૂપિયામાં અને સનફ્લાવર તેલ 120 રૂપિયે લીટર ખરીદી રહી છે.  
આમાં પણ 5 થી 10 રૂપિયા નફો રાખી જેમને પગાર નથી મળતો તેમના માટે એ નફો વાપરી રહ્યા છીએ,એમ તેમણે જણાવ્યું હતું.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer