IITના વિદ્યાર્થીઓના ગ્રુપે શરૂ કરી 24 કલાક એમ્બ્યુલન્સ સેવા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25  : હાલમાં કોરોનાની કટોકટી વચ્ચે દર્દીઓ માટે એમ્બ્યુલન્સની અછતને પહોંચી વળવા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)-બોમ્બેના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓના જૂથે ચોવીસે કલાકની એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે અને એક મહિનામાં લગભગ 3,600 કોલ્સ અટેન્ડ કર્યા છે. જરૂરતમંદો માટે એમ્બ્યુલન્સની લાંબી પ્રતીક્ષા ઘટાડવાનો તેમનો હેતુ છે. 
શહેરમાં બીજી સામાન્ય ફરિયાદ એમ્બ્યુલન્સના ઉંચા દરો છે,  જેના પર વિદ્યાર્થીઓનું આ જૂથ ધ્યાન આપવા માંગે છે. તેમના પોતાના વાહનો છે અને પ્રથમ 5 કિમીના અંતર માટે પાંચ હજાર રૂપિયા અને બાદમાં અંતર વધે એ પ્રમાણે ચાર્જ લઇને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવે છે. તેઓ એક જ પ્લેટફોર્મ પર વધુને વધુ ખાનગી એમ્બ્યુલન્સ મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે ખાનગી એમ્બ્યુલન્સો ચલાવનારાઓ દ્વારા વસૂલાતા ચાર્જ પર અમારૂં કોઈ નિયંત્રણ નથી. 
વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે 88998 89952 નંબર ડાયલ કર્યા પછી કોઇ પણ વ્યક્તિ એક કલાક અને 45 મિનિટમાં એમ્બ્યુલન્સ મેળવી શકે છે. આ પહેલ પાંચ એમ્બ્યુલન્સથી શરૂ થઈ અને હવે ખાનગી એમ્બ્યુલન્સ સહિત 45 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે,  જેમાંથી 15 કોરોનાના દર્દીઓ માટે સમર્પિત છે. સંસ્થાના ત્રણ વિદ્યાર્થીઓ, આદિત્ય મક્કર, શિખર અગરવાલ અને વેંકટેશ અમૃતવરના વિચારને પગલે આ પહેલ કરાઇ છે. 
આઈઆઈટી-બોમ્બેના સંચાલકોની તેમાં કોઈ ભૂમિકા નથી. મક્કરે કહ્યું હતું કે 2017 માં, મારા પિતાને હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્હીમાં એમ્બ્યુલન્સ મેળવવા માટે અમારે સંઘર્ષ કરવો પડ્યો હતો.  અમારે તેને કારમાં લઇ જવા પડ્યા હતા. મુંબઈને આ રોગચાળામાં એમ્બ્યુલન્સની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અમે આ સેવા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. 
આઈઆઈટી-બોમ્બે ખાતેના ઉદ્યમ સાહસિકતા માટે કાર્યરત દેસાઈ શેઠી સેન્ટર તરફથી આ વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયાનું પ્રારંભિક ભંડોળ મળ્યું હતું. મક્કરે કહ્યું કે તેઓએ એક યોજના બનાવી અને સ્વયંસેવકોની ટીમ બનાવી.  24 જેટલા આરોગ્ય કાર્યકરો અને વિદ્યાર્થીઓ આગળ આવ્યા હતા જે દરેકને કોરોનાના દર્દીઓ તેમજ મૃતદેહોને સંભાળવાની સારી તાલીમ આપવામાં આવી છે. 
ડ્રાઈવર અને એટેન્ડન્ટ્સ (મદદનીશો) શ્રેષ્ઠ પીપીઈ કિટ્સ, હેન્ડ ગ્લોવ્સ, માસ્ક અને સેનિટાઇસર્સથી સજ્જ છે.  દરેક કોલ અટેન્ડ કર્યા પછી  અમે વાહનની સંપૂર્ણ સ્વચ્છતા કરીએ છીએ.  અમે તેમને આયુષની દવાઓ પણ આપી રહ્યા છીએ.
અમે વિના મૂલ્યે કોરોનાનો ભોગ બનેલા અજાણ્યા મૃતદેહ પણ ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા છે.  
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer