મહારાષ્ટ્ર સરકારે કેરળના ડૉક્ટરો અને નર્સોની સહાય માગી

મુંબઈ, તા. 25 : રાજ્યમાં કોવિડ-19 દરદીઓની સારવાર માટે માનવબળની ઊભી થયેલી અછતને પહોંચી વળવા મહારાષ્ટ્ર સરકારે કેરળના 50 તાલીમ પામેલા નિષ્ણાંત ડૉકટરો અને 100 નર્સોની મદદ માગી છે. 
ડીરેક્ટોરેટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચે શનિવારે કેરળનાં આરોગ્ય પ્રધાન કે કે શૈલજાને મોકલેલા પત્રમાં સરકારે આ ડૉક્ટરો અને નર્સોની હંગામી ભરતી કરવા જણાવ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાએ પણ કેરળની નર્સોનાં એસોસીયેશનનો સ્ટાફની ભરતી માટે સંપર્ક કર્યો છે. 
મહારાષ્ટ્રમાં ખાનગી અને સરકારી ક્ષેત્રમાં અંદાજે 1.5 લાખ નર્સો છે. અધિકારીઓએ કહ્યું હતું કે તેમને મુંબઈ અને પૂણેમાં વધુ નર્સોની જરૂર પડશે કારણકે કોરોનાના મહત્તમ કેસ ત્યાંથી આવી રહ્યા છે. 
ડીએમઈઆરના ડીરેક્ટર ડૉ. ટી પી લહાનેએ પત્રમાં જણાવ્યું છે કે મુંબઈ અને પૂણે જિલ્લામાં કેસ વધવાની શક્યતા છે. મહાલક્ષ્મી રેસ કૉર્સમાં 600 બેડનું કોવિડ કૅર સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે, જેમાં 125 આઈસીયુ બેડ હશે.  
સરકારે એમબીબીએસ ડૉક્ટરને માસિક 50000 રૂપિયા અને નિષ્ણાંત ડૉકટરને બે લાખ રૂપિયા પગાર આપવાનો નિર્ણય લીધો છે. તાલીમ પામેલી નર્સને માસિક 30000 રૂપિયા પગાર ચૂકવાશે.
આ ઉપરાંત સરકાર રહેવા અને ભોજનની સુવિધા પૂરી પાડશે. ડૉક્ટરો અને નર્સોને પીપીઈ કીટ અને દવાઓ પણ પૂરી પડાશે. 
યુનાઈટેડ નર્સીસ એસોસીયેશનના એક સભ્યએ ક્યું હતું કે મહારાષ્ટ્રમાં અમારી પાસે 22000 નર્સો છે પરંતુ સરકારે હજી અમારો સંપર્ક કર્યો નથી. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer