હવે કોરોનાના દરદીઓએ ખાનગી હૉસ્પિટલમાં વધુ પૈસા ચુકવવા નહીં પડે : મહારાષ્ટ્ર સરકારનો આદેશ

મુંબઈ, તા. 25 : શહેરની ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાના દરદીઓ પાસે બેફામ ચાર્જ વસુલાતો હોવાની અનેક ફરિયાદો બાદ મહારાષ્ટ્ર સરકારે ફી નિર્ધારિત કરતો એક આદેશ બહાર પાડ્યો છે. હવે ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલી ફી કરવા વધુ ચાર્જ વસુલી શકશે નહીં. 
આદેશમાં મુંબઈગરાઓ માટેના મુખ્ય મુદ્દાઓ : મુંબઈની તમામ નાની-મોટી હોસ્પિટલ્સ અને નર્સિંગ હૉમ્સના 80 ટકા બેડ બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના નિયંત્રણમાં રહેશે. એ સાથે સરકારે નિર્ધારિત કરેલી ફી મુજબ, સારવાર માટેની ફી 4000 રૂપિયા, આઇસીયુમાં 7500 રૂપિયા, વેન્ટિલેટર સાથેના આઇસીયુના 9000 હજાર રૂપિયા પ્રતિદિનથી વધુ લઈ શકશે નહીં. આમાં બેડ ચાર્જીસ, ડૉક્ટર્સની ફી, નર્સિંગ, ભોજન, કોરોનાના ઇલાજ માટેની દવાઓનો ચાર્જ પણ સામેલ છે. જો જરૂરિયાત હશે અને વધારાની ખાસ તપાસ કે દવાઓની જરૂર પડશે તો એના માટે અલગથી ચાર્જ લેવામાં આવશે. 
કોવિડ-19ના ટેસ્ટ માટે 4500 રૂપિયા અલગ ચુકવવાના રહેશે. એ સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલ્સના ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા જ ઇલાજ કરવામાં આવશે. આ અંગે મુંબઈ મહાપાલિકા એક ઍપ કે ડૅશબોર્ડ દ્વારા તમામ હોસ્પિટલ્સમાં કેટલા બેડ ઉપલબ્ધ છે એની જાણકારી આપશે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer