શ્રમિક ટ્રેનો વિશેનો વિવાદ વકરે છે પીયૂષ ગોયલ પર સંજય રાઉત અને થોરાત તૂટી પડયા

શ્રમિક ટ્રેનો વિશેનો વિવાદ વકરે છે પીયૂષ ગોયલ પર સંજય રાઉત અને થોરાત તૂટી પડયા
મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રમાંના પરપ્રાંતીય શ્રમિકોને વતનના રાજ્યમાં મોકલવા માટે ટ્રેનો મેળવવાના મુદ્દે શિવસેના ઠાકરે સરકાર અને કેન્દ્રના રેલવેપ્રધાન પિયૂષ ગોયલ વચ્ચે જામી પડી છે. આ મુદ્દે શિવસેના અને ભાજપના નેતાઓએ ટ્વીટર ઉપર સામસામા આક્ષેપ કર્યા છે.
મહારાષ્ટ્રમાંના પરપ્રાંતીય મજૂરોને માટે ટ્રેનની માગ અંગે પિયૂષ ગોયલે કહ્યું છે કે તમે સ્થળાંતરીત મજૂરોની યાદી આપો. હું કાલે જ 125 ટ્રેન આપું છું. ગોયલના વિધાન પછી મુખ્યપ્રધાનની કચેરીએ યાદી મોકલાઈ હોવાનો દાવો કર્યો હતો પણ ગોયલને તે મળી હોવાનું ગઈકાલે જણાયું છે. આ મતલબનું ટ્વીટ ગોયલે રવિવારે મધરાતે 12-15 વાગે અને 2-15 વાગે કરી હતી.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રને પરપ્રાંતીય મજૂરોને તેઓના વતનમાં મોકલવા માટે 157 ટ્રેનોની જરૂર છે પરંતુ રેલવે મંત્રાલય જરૂર કરતાં ઓછી ટ્રેન મોકલતી હોવાનું કહ્યું હતું. આ વિધાનથી ગોયલને લાગી આવ્યું હતું અને તેમણે કલાકમાં જ ટ્વીટર ઉપર મહારાષ્ટ્ર પાસે મહારાષ્ટ્રમાંથી વતનમાં મોકલવા માટેના મજૂરોની યાદી માગી હતી.
મુખ્યપ્રધાન વિધાન પછી ગોયલે યાદી માગી બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ તેમાં ઝંપલાવ્યું છે. રાઉતે આજે જણાવ્યું છે કે ગોયલ મહારાષ્ટ્રમાંથી ચૂંટાઈને રાજ્યસભામાં ગયા છે. મહારાષ્ટ્રમાં વિરોધપક્ષની સરકાર છે એ માનસિકતામાંથી બહાર આવશો તો યાદી માંગવી નહીં પડે. અમે ગોયલને યાદી આપશું પરંતુ બિહારની ટ્રેન ઓરિસ્સા મોકલશો નહીં એમ રાઉતે રેલવે તંત્રની મજાક ઉડાવતા ઉમેર્યું હતું.
ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેનું વિધાન રાજકારણ પ્રેરિત હોવાનું જણાવીને ઉમેર્યું છે કે રેલવે તંત્રએ આપેલી 525 ટ્રેનો મારફતે 7.30 લાખ શ્રમિકો વતન પહોંચ્યા છે. મહારાષ્ટ્રએ મોડી રાત્રે યાદી આપી હોય, ત્યારે પણ ગોયલે વ્યક્તિગત રીતે ધ્યાન આપીને રાજ્યને ટ્રેનો ફાળવી છે. ગોયલે હંમેશા મહારાષ્ટ્રને મદદ કરી છે. આ મુદ્દે ઠાકરે સરકારે રાજકારણ રમવું ન જોઈએ, એમ ફડણવીસે ઉમેર્યું છે.
કૉંગ્રેસના નેતા અને રાજ્યના મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાતે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. ગોયલ મુંબઈના જ છે. તેમનું વલણ સહકારભર્યું હોવું જોઈએ. રેલવે પ્રધાને પોતે દેશનું કામ કરીએ છીએ એવી ભાવના રાખવી જોઈએ.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer