લોકડાઉનમાં છૂટછાટ બાદ મુંબઈ સહિત દેશના પચીસ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો

લોકડાઉનમાં છૂટછાટ બાદ મુંબઈ સહિત દેશના પચીસ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો
મુંબઈ અવ્વલ, બીજા નંબરે અમદાવાદ ત્યાર બાદ ચેન્નાઈ, થાણે અને ઇન્દોર 
નવી દિલ્હી, તા. 25 : દેશવ્યાપી લોકડાઉનમાં છૂટછાટો મળ્યાના એક અઠવાડિયા બાદ ભારતમાં એકંદરે કોરોનાના પોઝિટિવ દરમાં વધારો થયો છે. કેન્દ્રએ તાજેતરમાં કરેલી સમિક્ષા મુજબ, પચીસ મહાનગરો અને સંબંધીત જિલ્લાઓમાં કોરોનાના કેસોનો આંકડો વધ્યો છે. છેલ્લા સપ્તાહથી મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને તમિલનાડુના મળી પચીસ જિલ્લાઓમાં સતત દૈનિક ધોરણે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. 
22 મેના રોજ ભારતનો પોઝિટિવ રેટ 4.6 ટકા નોંધાયો જે અગાઉ 4.2-4.3 ટકાની રેન્જમાં હતો. 16 મી મેના રોજ આ પચીસ જિલ્લાઓમાં હકારાત્મક દર 8 ટકાથી 41 ટકા હતો, જે 22 મે સુધીમાં વધીને 11 ટકાથી વધીને 52 ટકા થઈ ગયો છે. આના પરિણામે દેશનો પોઝિટિવ રેટ 16થી 22મેની વચ્ચે 6 ટકા ની આસપાસ પહોંચી ગયો છે જે અગાઉ 4..6 ટકા હતો. 
25 જીલ્લાઓમાં, મુંબઈ ઉપનગરીય જિલ્લાનો દૈનિક પોઝિટિવ રેટ 22 મેના રોજ દેશમાં સર્વોચ્ચ 52 ટકા હતો. આ જિલ્લાનો એકંદર સકારાત્મક દર પણ 27.7 દેશમાં સૌથી વધુ છે. આંકડા મુજબ, જિલ્લાનો પોઝિટિવ રેટ 40 ટકાથી 52 ટકા (16 મેથી 22 મે) ની વચ્ચે છે. 
મહારાષ્ટ્રના કુલ 6 જિલ્લાઓ દેશના આ 25 જિલ્લાની યાદીમાં છે. 22 મેના રોજ મુંબઇ જિલ્લાનો દર 31 ટકા હતો - જે 16 મેના રોજ 41 ટકા હતો. પાલઘર જિલ્લાનો દર 22 મે સુધીમાં 42 ટકા થઈ ગયો છે. નાશિક 5 ટકા અને રાયગડ 13 ટકાએ સ્થિર રહ્યા. 
દિલ્હીના તમામ 10 જિલ્લાઓનો પોઝિટિવ રેટ 10 ટકાથી 37 ટકાની વચ્ચે છે. ઉત્તર પૂર્વ દિલ્હી 37 ટકા, મધ્ય દિલ્હી 28 ટકા, દક્ષિણ પૂર્વ દિલ્હી 21 ટકા અને પૂર્વ દિલ્હી 25 ટકા પોઝિટિવ રેટ હતો, 22 મે સુધીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. 
ગુજરાતના અમદાવાદ અને વડોદરા, તામિલનાડુના ચેન્નાઈ, પશ્ચિમ બંગાળના હાવડા અને તેલંગાણાનો હૈદરાબાદ જિલ્લો આ પચીસ જિલ્લાની યાદીમાં છે, ઉપરાંત મધ્યપ્રદેશના ચાર જિલ્લાઓ-ઇન્દોર, ઉજ્જૈન, મંદસૌર અને બુરહાનપુર. જો કે પોઝિટિવ કેસની કુલ સંખ્યામાં મુંબઈ 27,000થી વધુની સાથે દેશમાં અવ્વલ છે, ત્યાર બાદ અમદાવાદ, ચેન્નાઈ, થાણે અને ઇન્દોરનો નંબર છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer