મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ કંઈક ચાલી રહ્યું હોવાના એંધાણ

મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ કંઈક ચાલી રહ્યું હોવાના એંધાણ
શરદ પવાર અને નારાયણ રાણે અચાનક રાજ્યપાલને મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીની સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવે એવી માગણી ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેએ કરી છે.
રાણેએ આજે રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીને મળીને આ વિનંતી કરી હતી. આ પહેલાં આજે રાજ્યપાલની વિનંતી સ્વીકારીને રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવાર અને વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે રાજભવન ખાતે કોશીયારીની મુલાકાત લીધીહ તી. બાદમાં પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યપાલ કોશીયારી સાથેની શુભેચ્છા મુલાકાત હતી. અહીં ઉલ્લેખનીય છે કે થોડા સપ્તાહ પહેલા શરદ પવારે વડાપ્રધાન મોદીને ફરિયાદ કરી હતી કે રાજ્યપાલ કોશીયારી રાજ્ય સરકારના અધિકારીઓને સીધી સૂચના આપે છે.
રાણેએ આજે રાજ્યપાલ સમક્ષ જણાવ્યું હતું કે ઠાકરે સરકાર કોરોનાની આફતનો મુકાબલો કરવામાં નિષ્ફળ નીવડી છે. ઠાકરે સરકાર આ સમસ્યાનો સામનો કરવાની ક્ષમતા ધરાવતી નથી. તેથી ઠાકરે સરકારને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવે છે.
બીજી તરફ કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન કૃપાશંકરસિંહે આજે રાજભવન ખાતે રાજ્યપાલ કોશીયારીની મુલાકાત લીધી હતી.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer