સુરતમાં હીરાનાં કારખાનાં શરૂ થયાં

સુરતમાં હીરાનાં કારખાનાં શરૂ થયાં
33 ટકા સ્ટાફ અને પૂરતા સોશિયલ ડિસ્ટન્સિંગની શરત
ખ્યાતિ જોશી તરફથી
સુરત, તા. 25 : લોકડાઉન 4.0માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટો આપી છે. ઉદ્યોગ-ધંધાને વેગવંતા બનાવવા માટે હીરાઉદ્યોગને પણ કામકાજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. સોમવારે સુરતમાં 33 ટકા સ્ટાફ અને પૂરતા સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે હીરાનાં કારખાના શરૂ થતાં કારીગરોનાં ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો. વતન નહિ ગયેલાં કારીગરોને રોજગારી મળતાં રાહત થઇ છે.  
જીજેઇપીસીનાં ગુજરાત રીજનનાં ચેરમેન દિનેશભાઇ નાવડિયા કહે છે કે,  સરકારનાં દિશાનિર્દેશ મુજબ કામકાજ શરૂ કરાયું છે. લાંબા સમયથી લોકડાઉનનાં કારણે અનેક મુશ્કેલીઓ આવી છે. છતાં ફરીથી એક વખત લોકોએ કોરોના સાથે ન્યુ નોર્મલ થઇ સાવચેતી સાથે આગળ વધી રહ્યા છે. જે પ્રશંસનીય વાત છે. આજે હીરાનાં કેટલાંક એકમોએ શરૂઆત કરી છે. જેમાં તમામ પ્રકારનાં સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક, સેનીટાઇઝીંગનું ઘ્યાન રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ સરળ બનશે. હાલ ધીમિગતિએ કામકાજ શરૂ થયું છે. પરંતુ અમને આશા છે કે આગામી દિવસોમાં કામકાજ વેગવંતુ બનશે.  
નોંધનીય બાબત એ કે જે કામદારો વતન નથી ગયા તેમને કામકાજ મળી રહેતાં તેઓનાં ચહેરા પર આનંદ જોવા મળ્યો છે. હીરાનાં કારખાનામાં એક ઘંટી પર ચાર થી વધુ કામદારો કામ કરે છે. આ પ્રકારનાં કારખાનેદારોએ સોશ્યલ ડીસ્ટન્સીંગની વ્યવસ્થા વધુ ચુસ્ત કરવી પડે તેમ છે. જેઓ પાસે ટેબલ છે તેઓએ એક ખુરશી છોડી બીજી ખુરશી પર સામ-સામે કારીગરને બેસાડીને કામ લઇ શકે છે.  
સુરતમાં પ્રારંભિક તબક્કે નોન કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં કારખાનાઓ શરૂ થયા છે. એસઇઝેડમાં અગાઉથી આઠ જેટલાં યુનિટોમાં કામકાજ શરૂ થયું છે. તેમજ લોકડાઉન 3.0 દરમ્યાનથી મુંબઇ અને સુરતથી નિકાસનું કામકાજ શરૂ થયું છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer