દુકાનદારો અને વેપારીઓને વેપાર કરવાની છૂટ આપો : વીરેન શાહ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : આખા મહારાષ્ટ્રમાં દુકાનદારો, જથ્થાબંધ અને નાના વેપારીઓ તેમજ અૉફિસોને માસ્ક, સેનીટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા સાવચેતીના પગલાં સાથે કામ કરવાની છૂટ આપવામાં આવે એવી વિનંતી ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના પ્રમુખ વીરેન શાહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને કરી છે.
વીરેન શાહે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત રાજ્યના શહેરોમમાં દુકાનો અને વેપારી કચેરીઓ બે માસ કરતાં પણ વધુ સમયથી બંધ છે. કર્મચારીઓને બે માસનો પગાર ચૂકવવાનો બાકી છે. મહારાષ્ટ્ર ઉપર કોરોનાનું સંકટ ભારે છે. આ સંકટ છતાં વેપાર અને આજીવિકા ટકી રહે એ જરૂરી છે. કોરોના સાથે ટકવાના ઉપાયો પણ આપણે કરવા પડશે. મહારાષ્ટ્ર સરકારે ઈ-કૉમર્સ કંપનીઓને રેડઝોનમાં બિનઆવશ્યક ચીજોનું કામ કરવાની પરવાનગી આપી છે. જ્યારે કરોડો રૂપિયાની દુકાનો બંધ પડી છે. તેમાં કરોડો રૂપિયાનો માલ પણ પડેલો છે. ઈ-કૉમર્સને પરવાનગી આપીને મહારાષ્ટ્ર સરકારે દુકાનદારો અને છૂટક વેપારીઓ સાથે અન્યાય કર્યો છે. સ્ટાફ અનેકામદારોને બે માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. લૉકડાઉન જૂનમાં લંબાય તો છૂટક વેપારીઓની મુશ્કેલીઓ અને દુકાનદારતોને જૂન માસથી કોરોના સામે સાવચેતીના પગલાંનું પાલન કરીને વેપાર કરવાની છૂટ આપવી જોઈએ, એમ વીરેન શાહે ઉમેર્યું હતું.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer