અમે મહારાષ્ટ્ર સરકારની સાથે : રાહુલ

અમે મહારાષ્ટ્ર સરકારની સાથે : રાહુલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં મહત્ત્વના નિર્ણય લેવામાં અમને સાથે રાખવામાં આવતા નથી. એવા મતલબના કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિધાન પછી મહાવિકાસ આઘાડીમાં મોટા મતભેદો ઉભા થયા હોવાનું ચિત્ર ઉભું થયું હતું. જોકે રાહુલ ગાંધીએ આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને ખાતરી આપી છે કે અમારો પક્ષ સરકારની સાથે જ છે. તેના કારણે `આઘાડી' સરકારમાંના મતભેદ ગંભીર નહીં હોવાનું સ્પષ્ટ થયું છે.
`આઘાડી' સરકારની નીતિ ઘડવામાં અમારું સાંભળવામાં આવતું નથી એવા રાહુલ ગાંધીના વિધાન પછી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કૉંગ્રેસની ટીકા કરતાં જણાવ્યું હતું કે તે કોરોનાના વધુ પડતા કેસો બદલ દોષનો ટોપલો મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપર ઢોળવા માગે છે. રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને કરેલા ફોનને લીધે આઘાડીના નેતાઓમાં પ્રવર્તતું શંકાનું વાતાવરણ દૂર થયું છે.
આજે બપોરે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારના ત્રણેય પક્ષો - શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના આગેવાનો અને પ્રધાનોની બેઠક મળી હતી. ત્રણ કલાક કરતાં પણ વધુ સમય ચાલેલી બેઠકમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ ગઈકાલે કેન્દ્ર સરકાર તરફથી મહારાષ્ટ્રને મળેલી મદદ વિશે આપેલી વિગતો વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બકાદમાં `આઘાડી'ના ત્રણ પ્રધાનોએ પત્રકાર પરિષદ યોજી હતી.

Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer