નાશિકની એપીએમસી માર્કેટ બંધ રહેતા મુંબઈના શાકભાજીના પુરવઠામાં 40 ટકા ઘટાડો

નાશિકની એપીએમસી માર્કેટ બંધ રહેતા મુંબઈના શાકભાજીના પુરવઠામાં 40 ટકા ઘટાડો
નાશિક, તા 27: મુંબઈ આવતા શાકભાજીના પુરવઠામાં નાશિકની સૌથી મોટી હોલસેલ માર્કેટ એપીએમસી માર્કેટ બંધ હોવાથી 40 ટકા જેટલો ઘટાડો થયો છે. નાશિકથી રોજ લગભગ દોઢસો ટ્રકોમાં 500 ટન શાકભાજી મુંબઈ આવે છે. વેપારીઓ ઉપરાંત ખેડૂતોના ગ્રુપ પણ મુંબઈમાં સીધું શાકભાજી વેચે છે. 
એક કામદાર કોવિડ-19 પોઝિટિવ આવતા નાશિકની એપીએમસી માર્કેટે મંગળવારથી ત્રણ દિવસ લિલામ બંધ રાખવાનું નક્કી કર્યું છે. ઉપરાંત એપીએમસી માર્કેટ આવેલી છે એ વિસ્તારમાં બીજા 13 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. એપીએમસીના અધિકારીએ જણાવ્યું કે, સાવચેતીના પગલાં તરીકે વેપારીઓએ બજાર ત્રણ દિવસ પૂર્ણપણે બંધ રાખવાની માગણી કરી હતી. 
માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે મારી પાસે મુંબઈના ઓર્ડર છે પણ માર્કેટ બંધ હોવાથી ડિલિવરી કરી શકતો નથી. અમે અધિકારીઓને વિનંતી કરી છે કે વહેલી તકે એપીએમસી પરિસરને સેનેટાઇઝ્ડ કરવામાં આવે. મુંબઈના પુરવઠામાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે. અમુક વેપારીઓ તેમના ઓળખીતા ખેડૂતો પાસે હજુ માલ ખરીદી રહ્યા છે. તો ખેડૂતોના અમુક ગ્રુપ મુંબઈમાં શાકભાજીનું સીધું વેચાણ કરી રહ્યા હોવાનું એપીએમસીના અધિકારીએ જણાવ્યું. બંધની વધુ અસર ગુરૂવારે જણાશે.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer