સેવન હિલ્સ હૉસ્પિટલને જોઈએ છે 600 ડૉક્ટર્સ

સેવન હિલ્સ હૉસ્પિટલને જોઈએ છે 600 ડૉક્ટર્સ
મુંબઈ, તા. 27 : એક બાજુ દેશમાં રોજગારની સંખ્યા ઘટી ગઈ છે અને સંખ્યાબંધ લોકો દરરોજ નોકરી ગૂમાવી રહ્યા છે તો બીજી બાજુ જોબ પોર્ટલ અંધેરી પૂર્વની સેવનહિલ્સ હૉસ્પિટલની તબીબો માટે ખાલી જગ્યા છે એવી જાહેરાત જોબ પોર્ટલ પર જોવા મળી રહી છે. આ મુંબઈની કોવિદ-19 માટેની એક મોટી હૉસ્પિટલ છે અને અહીં 1004 બૅડની ક્ષમતા ઊભી કરાઈ છે. જોકે આ હૉસ્પિટલમાં બે મહિનાથી સ્ટાફની તંગી છે. હૉસ્પિટલે હવે ભરતી કરવા સમગ્ર ભારતમાં જાહેરખબર આપી છે. આ હૉસ્પિટલને 100 ઇન્ટેનનસિવિસ્ટ, એટલી જ સંખ્યામાં એનાએસ્ટેથિસ્ટ, દસ નેફરોલોજિસ્ટ, પાંચ રેડિયોલોજિસ્ટ(આ બધા હોદ્દા માટે લધુતમ ભણતર એમડીનું રખાયું છે), 200 એમબીબીએસ ડીગ્રી ધરાવતા તબીબો, 100 બીએએમએસ (બેચલર ઓપ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી) તબીબો જોઈએ છે. 
હાલમાં હૉસિપ્ટલ પાસે 176 તબીબો છે અને બીજા 600ની જરૂર છે. હૉસ્પિટલ સામાન્ય કરતાં વધારે પગાર આપવા તૈયાર છે. આ જ બતાડે છે કે મુંબઈમાં ડૉક્ટરની કેટલી અછત છે. એમડીને મહિનાદિઠ બે લાખ રૂપિયા, એમબીબીએસને 80,000 રૂપિયા, આર્યુવેદ તબીબોને 60,000 રૂપિયા અને હોમિયોપેથ તબીબોને 50,000 રૂપિયાની ઓફર કરાઈ છે. આ સાથે રહેવાની અને ખાવાની તેમ જ મહિનામાં 15 દિવસ ક્વૉરેન્ટાઈનની સુવિધા અપાય છે. સામાન્ય સંજોગમાં સેલરી અત્યાર કરતાં અડધી જ અપાય છે. દરેક સરકારી મેડિકલ ફેસિલિટીમાં હેલ્થકેર એક્સપર્ટની અછત છે.
સરકારે 25,000 ખાનગી તબીબોને કોવિદના જંગમાં જોડાવ અથવા તો તમારા પરવાના રદ થશે એવું અલ્ટીમેટમ આપ્યું છે. હૉસિપ્ટલના અધિકારીએ કહ્યુ હતું કે અમારી ઓફર સારી છે અન તબીબોને ફક્ત 15 દિવસ જ કામ કરવાનું છે. અમારી ઓનલાઈન જાહેરાતને સારો પ્રતિસાદ મળ્યો છે.
મુલુન્ડના કોરોનાના દર્દીઓ ભગવાન ભરોસે 
એક બાજુ મુંબઈમાં કોવિદ-19ના દર્દીની સંખ્યા ગુણનફળમાં વધી રહી છે ત્યારે બીજી બાજુ પાલિકા કોરોનાના લક્ષણો ધરાવતા અને ન ધરાવતા દર્દીઓ માટે કોવિદ કેર સેન્ટર ઊભા કરવામાં સંઘર્ષ કરી રહી છે. આમાં સૌથી મોટી અડચણ તબીબોની તંગી છે. મુલુન્ડ ઓકટ્રોય નાકામાં 125 બૅડની સુવિધા 20 મેથી છે, પરંતુ ડૉક્ટરના અભાવને લીધે મુશ્કેલી પડી રહી છે. એ જ પ્રમાણે પાલિકા મીઠાનગર મ્યુનિસિપલ સ્કૂલમં 100 બૅડ ઉમેરવા માગતી હતી, પરંતુ તબીબોની અછતને લીધે સંભવ બન્યુ નથી. મુલુન્ડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કહ્યું હતું કે અમારે વધુ દસ તબીબોની મુલુન્ડની ફેસિલિટીમાં જરૂર છે. અમને તબીબો મળશે તો અમે આઈસોલેશન સેન્ટર શરૂ કરીશું.  અમે તબીબોને અપીલ કરી રહ્યા છે કે અમને મદદ કરો. અમે તબીબોને ત્રણ પાળીમાં કામ આપીશું અને તેમને બધા જ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આપીશું. મીઠીગાર સ્કૂલમાં ગયા મહિને સેન્ટર ઊભું કરાયું હતું. આમાં 100 બૅડ છે અને જેમાંથી 12 આઈસીયુ બૅડ છે. આમાં ઓક્સિજન સિલિન્ડર ચાર ડાયાલિસિસ મશીન અને બે વેન્ટિલેટર પણ છે.  
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer