કોવિડ ટેસ્ટ સસ્તો થશે : રૂ. 4500ની ભાવ બાંધણી રદ

કોવિડ ટેસ્ટ સસ્તો થશે : રૂ. 4500ની ભાવ બાંધણી રદ
નવી દિલ્હી, તા. 27 : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચે (આઈસીએમઆર) મંગળવારે કોવિદ-19 ના નિદાન માટેની આરટી-પીસીઆર ટેસ્ટની 4500 રૂપિયાની ભાવ બાંધણી રદ કરતાં આ ટેસ્ટના દરમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. હવે કોવિદની ટેસ્ટનાં દર નક્કી કરવા રાજ્યો માન્ય લેબોરેટરીઓ સાથે વાટાઘાટ કરીને નવા ઘટાડેલા ચાર્જ નક્કી કરશે.  
આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડૉ બલરામ ભાર્ગવે રાજ્ય સરકારોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે હવે ટેસ્ટીંગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો હોવાથી ટેસ્ટીંગ પરની ભાવ મર્યાદા રદ કરવામાં આવે છે. ઘરઆંગણે ઉત્પાદન શરૂ થઈ ગયું હોવાથી હવે આયાતી ટેસ્ટીંગ કીટ પરનો આધાર નગણ્ય થઈ ગયો છે. 
કોરોના પ્રકોપ ફાટી નીકળ્યો ત્યારે ટેસ્ટીંગ કીટ માટે વૈશ્વિક અછત સર્જાઈ હતી. ભારતને આયાતી કીટ પર ભારે આધાર રાખવો પડતો હતો. અને આઈસીએમઆરે 4500 ભાવ નક્કી કરવા પડ્યા હતા.  
 ગયા મહિને કર્ણાટક રાજ્યે આગેવાની લઈને કોવિદ ટેસ્ટના ભાવ 2250 રૂપિયા નક્કી કર્યા હતા. અન્ય રાજ્યોમાં પણ ભાવ ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હીમાં ખાનગી લૅબ આ ટેસ્ટ 3500 રૂપિયામાં કરવાની ઓફર કરી છે.   ભારતમાં 428 સરકારી લૅબ અને 182 ખાનગી લૅબ કોરોનાનો ટેસ્ટ કરી રહી છે અને રોજ 1,40,000 ટેસ્ટની ક્ષમતા છે. 

Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer