પ્રધાનોએ કોરોના રોકવાની ચર્ચા માટે લાંબી બેઠકો યોજી હોય તો લાભ થાત : ફડણવીસ

પ્રધાનોએ કોરોના રોકવાની ચર્ચા માટે લાંબી બેઠકો યોજી હોય તો લાભ થાત : ફડણવીસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : મેં ગઈકાલે આપેલી માહિતીનો ઉત્તર આપવા માટે મહાવિકાસ આઘાડીના પ્રધાનોને કલાકો સુધી તૈયારી કરવી પડી છે. તેઓએ આટલી જહેમત કોરોનાના મુકાબલા માટે લીધી હોત તો સારું થાત. સત્ય બોલવા એક માણસની જરૂર પડે છે. જ્યારે ફેંકાફેંકી કરવા વધારે માણસોની જરૂર પડે છે, એમ ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. મહાવિકાસ આઘાડીના ત્રણ પ્રધાનોને પત્રકાર પરિષદમાં આપેલી વિગતોનો ઉત્તર આપતા ફડણવીસે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને આપેલા ઘઉં ફૂડ સિક્યુરિટી સ્કીમ હેઠળના છે. તે રેશનમાં બેથી ત્રણ રૂપિયામાં અપાય છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ટેસ્ટીંગમાં 33 ટકા દરદીઓ પોઝિટિવ આવે છે, દેશમાં કોરોનાને લીધે મૃત્યુમાં 40 ટકા હિસ્સો મહારાષ્ટ્રનો છે. કોરોનાગ્રસ્તોને માટે હોસ્પિટલમાં બિછાના નથી. આ સંજોગોમાં `આઘાડી'ના પ્રધાનો પોતાની પીઠ થપથપાવે છે તે વિચિત્ર છે. આ પ્રધાનો કહે છે કે આ રકમ અમને મદદ રૂપે મળવાની જ હતી પણ તેઓ એટલું તો સ્વીકારે કે અમને કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી છે, એમ ફડણવીસે ઉમેર્યું હતું.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer