ગ્રીન ઝોન્સ વચ્ચે રેલવે વ્યવહાર શરૂ કરવાની માગ

ગ્રીન ઝોન્સ વચ્ચે રેલવે વ્યવહાર શરૂ કરવાની માગ
મુંબઈ, તા. 27 : લોક ડાઉનના કારણે દેશભરમાં ટ્રેન વ્યવહાર ઠપ થવાથી રેલવે અને દેશને રોજનું કરોડોનું નૂકસાન થઇ રહ્યું છે, કોરોનાનો કોપ જે વિસ્તારોમાં નહીંવત્ છે એવા દેશના અસંખ્ય ગ્રીન ઝોન્સમાં ફરીથી ટ્રેન સર્વિસ શરૂ કરવાની અપીલ કરતો પત્ર મુંબઈના પૂર્વ નાયબ મેયર અને  ભાજપના નેતા બાબુભાઇ ભવાનજીએ રેલવે પ્રદાન પિયુષ ગોયલને લખ્યો છે.  
ભવાનજીએ પત્રમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના ફેલાવાને કારણે દેશના ઘણા ભાગો રેડ ઝોનમાં છે અને રેલ્વેનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી રહી છે, રેલ્વેને પણ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. પરંતુ દેશના અસંખ્ય વિસ્તારો હજી ગ્રીન ઝોનમાં છે આ વિસ્તારોમાં ટ્રેન સર્વિસ શરૂ કરીને આર્થિક પ્રવૃત્તિઓ વધારી શકાય  છે. 
ભવાનજીએ માગણી કરી છે કે બાંદરાથી પાલનપુર થઇને એક ટ્રેન ભુજ સુદી જાય છે, આ ટ્રેન પણ બંધ છે. પાલનપુરતી ભુજ સુધીનો વિસ્તાર ગ્રીન ઝોનમાં હોવાથી આ રૂટ પર ટ્રેન ચલાવવામાં ખાસ કોઇ મુશ્કેલી નથી. આનાથી મુંબઈ અને કચ્છ વચ્ચે આર્થિક-સામાજિક ગતિવિધિઓ વધશે એવી અપેક્ષા છે. આ રીતે જ બધા ગ્રીન ઝોનમાં ટ્રેનો દોડતી થશે તો આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થતા રેલ્વેને પણ ફાયદો થશે. એમ ભવાનજીએ પત્રમાં લખ્યું છે.  
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer