અતિવિનાશક તીડનાં ધાડા વિદર્ભ પર ત્રાટક્યાં : 1990 બાદ પહેલીવાર દેખાયા

અતિવિનાશક તીડનાં ધાડા વિદર્ભ પર ત્રાટક્યાં : 1990 બાદ પહેલીવાર દેખાયા
નાગપુર, તા 27 : ખેતરોના પાકનો નાશ કરી નાખતાં તીડનાં ટોળા મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બાદ મહારાષ્ટ્રમાં ત્રાટક્યાં છે. નાગપુર જિલ્લાના કાટોલ તાલુકાના ઊભા મોલ પર તીડોના ઝૂંડ ત્રાટકતા ખેડૂતો ભયભીત થયા છે. દરમ્યાન, કૃષી વિભાગે છંટકાવ સહિતની અન્ય ઉપાય યોજનાઓ દ્વારા તીડોના હુમલાને ખાળવાના પ્રયાસો શરૂ કર્યા છે. 
એપ્રિલ મહિનાથી ગુજરાત, રાજસ્થાન અને પંજાબના અમુક હિસ્સામાં રણ પ્રદેશના અતિ વિનાશક શિસ્ટોસેરકા ગ્રેગરિયા જાતિનાં તીડ દેખાયા હોવાના અહેવાલ હતા. 
રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ તીડોએ કાટોલ તાલુકામાં પ્રવેશ કર્યો. ફેટરી, ખાનગાવ શિવારા સહિત આમનેર ગાંદી વિસ્તારમાં તીડો દેખાયા હતા. સામાન્યપણે જુલાઈ-ઓક્ટોબર દરમ્યાન તીડ ભારત-પાક બોર્ડર પર જોવા મળે છે. પરંતુ આ વખતે સીઝન પહેલાં જ દેખાતા એના જોખમ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી. નાના શિંગડાવાળા તીડ એકલા હોય ત્યારે નિર્દોષ લાગે છે પણ જ્યારે એ ટોળામાં આવે છે ત્યારે ભારે વિનાશક બની જાય છે. આ ટોળા ઓછા સમયમાં લાંબું અંતર કાપી શકે છે. તીડ વિવિધભક્ષી હોવાથી રસ્તામાં આવતો તમામ પાક, લીલોતરી ઝાપટી જાય છે. એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં 40થી 80 મિલિયન તીડો સમાઈ જાય છે. 
કોઈ પણ ઊભો પાક ન મળે તો રણ વિસ્તારના તીડ એ વિસ્તારના હરિયાળા વિસ્તાર પર તૂટી પડે છે. એટલે આ વિસ્તારમાં આવેલા સંતરાની વાડીઓ પર જોખમ ઊભું થયું છે. આ પ્રકારના સંકટને સામનો સંતરાની વાડીએ વરસોથી કર્યો નથી. 
સંતરા ઉગાડનારાઓની કો-ઓપરેટિવ સંસ્થા મહા ઓરેન્જના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીધર ઠાકરે કહ્યું કે, આ જોખમ લગભગ 60 વરસ બાદ જોવા મળ્યું છે. તેમને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે પણ જો ટોળા વધતા ગયા તો 1.51 લાખ હેક્ટર પરના સંતરાના બગીચા ખેદાનમેદાન થઈ શકે છે. 
તીટોના ટોળા સૌપ્રથમ એપ્રિલમાં દેખાયા ત્યારે લોકસ્ટ વૉર્નિંગ ઓર્ગેનાઇઝેશને લગભગ અસરગ્રસ્ત એવા પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના 21,675 હેક્ટર વિસ્તારમાં છંટકાવ કર્યો હતો. પરંતુ તાજેતરમાં તીડોના ટોળા મધ્ય પ્રદેશમાં દેખાયા અને હવે મહારાષ્ટ્રમાં પણ એની હાજરી નોંધાવી છે.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer