વડા પ્રધાનના સંબોધન પૂર્વે સાવચેતીનો સૂર

વડા પ્રધાનના સંબોધન પૂર્વે સાવચેતીનો સૂર
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પૂર્વે ટ્રેડર્સ સાવચેતીપૂર્વક ધંધો ગોઠવતા હતા, પરિણામે સૂચકાંકો સાંકડી વધઘટે બંધ રહ્યા હતા. બજાર સારા ટોને ખુલ્યા પછી સાવચેતીના કારણે સુધારો ધોવાઈ ગયો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ 46 પોઈન્ટ્સ (0.13 ટકા) ઘટીને 34,916ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી 10 પોઈન્ટ્સ (0.10 ટકા) ઘટીને 10,302ના સ્તરે બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બૅન્ક, આઈટીસી અને ટીસીએસ સૌથી વધુ ઘટયા હતા. પાવર ગ્રીડનો શૅર બે ટકા ઘટયો હતો, બીજી બાજુ મારુતિ સુઝુકી ઈન્ડિયાનો શૅર 2.8 ટકા વધ્યો હતો. માર્ચ ત્રિમાસિક નાણાકીય પરિણામોની જાહેરાત કર્યા બાદ તાતા સ્ટીલનો શૅર સત્ર દરમિયાન ચાર ટકાથી પણ વધુ વધ્યો હતો. 
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં મિશ્ર વલણ હતું. નિફ્ટી ઓટો સૂચકાંક એક ટકા વધ્યો હતો. નિફ્ટી પીએસયુ, ફાર્મા અને મિડિયા સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો. 
બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.14 ટકા અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.75 ટકા ઘટયો હતો. દરમિયાન બીએસઈ એસએમઈ પ્લેટફોર્મમાં લિસ્ટ થનારી બિલવીન ઈન્ડસ્ટ્રીઝ લિ. 323મી કંપની હતી. કંપની રૂ.10ની મૂળ કિંમતના 6.66 લાખ ઈક્વિટી શૅર્સને શૅરદીઠ રૂ.37ના ભાવે રૂ.2.46 કરોડ સુધીની પબ્લિક ઓફરિંગ કરી હતી. 22મી જૂને કંપનીએ પબ્લિક ઈસ્યૂ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. 
વૈશ્વિક બજારો
ચીનના સકારાત્મક આર્થિક આંકડા અને અમેરિકાનો ત્રિમાસિક ગાળે સારો ગયો હોવાના સંકેતો આવતા એશિયાના શૅરબજારોમાં વધારો નોંધાયો હતો. જોકે કોરોના વાયરસના કેસમાં વધારો થતો હોવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયુ હતું.
જપાન બહારનો એમએસસીઆઈનો બ્રોડેસ્ટ ઈન્ડેક્સ એશિયા-પેસિફિક શૅર્સ 0.51 ટકા વધ્યો હતો. છેલ્લા 11 ત્રિમાસિકમાં આ સૌથી વધુ ત્રિમાસિક ધોરણે વધારો નોંધાયો છે. ઓસ્ટ્રેલિયાના શૅર્સ 1.43 ટકા, કોરિયાના એક ટકા અને જપાનના 1.33 ટકા વધ્યા હતા. 
ગત સત્રમાં વધારો થતા ટ્રેડર્સે પ્રોફિટ બુકિંગ કરતા ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. લિબિયાની સરકાર હસ્તક ઓઈલ કંપની સપ્લાય વધારવા માટે નિકાસ ફરી શરૂ કરવા માટે વાતચિત કરી રહી છે.     
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer