માર્ચ ''20 ત્રિમાસિકમાં કરન્ટ એકાઉન્ટમાં 0.1 ટકાની પુરાંત

માર્ચ ''20 ત્રિમાસિકમાં કરન્ટ એકાઉન્ટમાં 0.1 ટકાની પુરાંત
વેપારી ખાધમાં થયેલો ઘટાડો મુખ્યત્વે કારણભૂત 
મુંબઈ, તા. 30 : જાન્યુઆરી-માર્ચ 2020 ત્રિમાસિકમાં ભારતના કરન્ટ એકાઉન્ટમાં 60 કરોડ ડોલરની પુરાંત રહી હતી જે જીડીપીના 0.1 ટકા જેટલી હતી, એમ રિઝર્વ બેંકે મંગળવારે બેલેન્સ ઓફ પેમેન્ટની વિગતો જાહેર કરતા કહ્યું હતું. ગયા વર્ષના આ જ ત્રિમાસિકમાં જીડીપીના 0.7 ટકા જેટલી ખાધ જોવા મળી હતી. અગાઉના ત્રિમાસિકમાં કરન્ટ એકાઉન્ટમાં 2.6 અબજ ડોલરની ખાધ નોંધાઈ હતી જે જીડીપીના 0.4 ટકા હતી. 
નાણાકીય વર્ષ 2019-20ના છેલ્લા ત્રિમાસિકમાં જોવા મળેલી પુરાંત મુખ્યત્વે ઘટેલી વેપારી ખાધને કારણે હતી એમ રિઝર્વ બેંકે કહ્યું હતું. આ ત્રિમાસિકમાં વેપારી ખાધ 35 અબજ ડોલરની હતી. તે ઉપરાંત નેટ ઇનવિઝિબલ આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે 35.6 અબજ ડોલર રહી હતી.   
ઘણા વર્ષો બાદ આપણા કરન્ટ એકાઉન્ટમાં પુરાંત જોવા મળી છે એમ નિષ્ણાતોએ કહ્યું હતું.   
વિદેશી રોકાણમાં આ ત્રિમાસિક દરમિયાન 13.7 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે તેમાં 9.4 અબજ ડોલરનો વધારો થયો હતો. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ફોરેન પોર્ટફોલીઓ રોકાણકારોએ ડેબ્ટ અને ઇકવીટી, એમ બંને માર્કેટમાં ચોખ્ખું વેચાણ કર્યું હતું. ચોખ્ખું એક્સ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ 9.4 અબજ ડોલર જેટલું રહ્યું હતું જે એક વર્ષ અગાઉ 7.2 અબજ ડોલર હતું. 
નાણાકીય વર્ષ 2019-20ને અંતે કરન્ટ એકાઉન્ટમાં જીડીપીના 0.9 ટકા ખાધ રહી હતી જે અગાઉના વર્ષે 2.1 ટકા હતી. ખાધમાં ઘટાડો વેપારી ખાધ ઘટવાને કારણે હતો એમ આરબીઆઇએ જણાવ્યું હતું. 2019-20માં વેપારી ખાધ 157.5 અબજ ડોલર હતી જયારે 2018-19માં આ આંકડો 180.3 અબજ ડોલર હતો.   
2019-20ના વર્ષે અંતે કરન્ટ એકાઉન્ટમાં 24.6 અબજ ડોલરની ખાધ રહી હતી જયારે કેપિટલ એકાઉન્ટમાં 23.6 અબજ ડોલરની પુરાંત હતી. 
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer