જાહેર શૌચાલયોની સેવા નિ:શુલ્ક આપી શકાય એમ નથી : સંચાલકો

મુંબઈ, તા. 30 : જાહેર શૌચાલયોનો ઉપયોગ કરે છે એવા લાખો લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડશે કારણ, એના સંચાલકોએ જણાવ્યું છે કે હવે તેઓ નિ?શુલ્ક સેવા આપી શકે એમ નથી. કેટલાક શૌચાલય સંચાલકોના જણાવ્યા મુજબ, તેમને હવે સફાઈની સાથે શૌચાલયને જંતુમુક્ત કરવા માટે વધુ ખર્ચ કરવો પડે છે. તો અમુકે વધારાનો ખર્ચ પરવડતો ન હોવાથી શૌચાલયોને તાળા માર્યા છે. એપ્રિલ મહિનામાં પાલિકાએ જાહેર કરેલી નવી નીતિમાં જણાવાયું હતું કે સ્લોડાઉનને કારણે ઘણાએ નોકરી ગુમાવી હોવાથી શૌચાલયમાં લેવાતો ચાર્જ માફ કરવામાં આવે. શનિવારે એનજીઓ રાઇટ ટુ પીએ શૌચાલયોના ઓપરેટર્સ અને પાલિકાના અધિકારીઓ સાથે સેનિટાઇઝેશનના મુદ્દે વર્ચ્યુઅલ માટિંગ યોજી હતી. જેમાં એમ-પૂર્વ, એમ-પશ્ચિમ, કે-પૂર્વ, એલ, એચ અને એન વૉર્ડના ઓપરેટરોએ ભાગ લીધો હતો.   
માનખુર્દના મહારાષ્ટ્ર નગરમાં મહિલાઓ દ્વારા સંચાલિત શૌચાલય ચલાવનાર સંગીતા કાંબલેએ તેમને પડતી તકલીફો જણાવી હતી. અમે કોવિડ ફેલાય નહીં એ માટે સૌથી વધુ કાળજી લઈએ છે. મારાં કર્મચારીઓ પુષ્કળ પાણી અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે. પણ પાલિકાની નવી નીતિને કારણે અમારી આવક ઝીરો છે. આ સતત ત્રીજો મહિનો છે જેમાં અમને આવક થઈ નથી. આમ છતાં મારે શૌચાલય ચલાવવા માણસોને પૈસા ચુકવવા પડે છે. એવો કોઈ રસ્તો કાઢવો જોઇએ જે તમામને સ્વીકાર્ય હોય. 
જ્યારે ગોવંડી ખાતે શૌચાલય ચલાવતા બનસોડેએ કહ્યું કે પાલિકાએ વીજળી અને પાણીના બિલો પણ માફ કરવા જોઇએ. અમારી પાસે કૉમર્શિયલ ચાર્જ વસુલવામાં આવ છે જે ઘણો વધુ છે. અમે બે-ત્રણ લોકોને પગાર ચુકવીએ છીએ. પાલિકાએ અમને સૂચના આપી છે કે શૌચાલયને દિવસમાં છ વાર સાબુ, સેનેટાઇઝર અને પાણીથી સાફ કરવા. અમે કેવી રીતે આટલો ખર્ચ ભોગવી શકીએ. અમારા વિસ્તારના થોડા શૌચાલયો તો બંધ કરી દેવાયા છે. 
સેનેટાઇઝેશન એક્સપર્ટ આનંદ જગતાપે કહ્યું કે પાલિકાએ સફાઈની સામગ્રી આપવી જોઇએ. પ્રેઝન્ટેશનમાં જગતાપે છ સીટવાળા ટોઇલેટની સફાઈ માટે એક મહિનામાં કેટલી સામગ્રી જરૂરી છે એ જણાવ્યું હતું. એમાં 20 લિટર લિક્વિડ ડિટર્જન્ટ, પાંચ લિટર બ્લીચ અને ચાર કિલો હૅન્ડ-વાશિંગ શોપનો સમાવેશ થાય છે. ઉપરાંત કર્મચારીઓ માટેના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં વૉટરપ્રૂફ ગ્વવ્ઝ, એપરન, બૂટ જેવી ચીજો ફરજિયાત હોવી જોઇએ. 
રાઇટ ટુ પીનાં સુપ્રિયા સોનારે જણાવ્યું કે પ્રાઇવેટ ટોઇલેટ ઓપરેટર માટે પણ આરોગ્ય વિમાનું કવચ મળવું જોઇએ. અહીંના કર્મચારીઓ પણ આરોગ્યના જોખમે કામ કરતા હોવાથી તેમને પણ ફ્રન્ટલાઇન વર્કર ગણવા જોઇએ. અને પાલિકાએ આર્થિક સહાય કરવી જોઇએ. 
એમ-પૂર્વ વૉર્ડના આસિસ્ટંટ એન્જાનિયર અજય સાતવે ઓપરેટરોને સહાય કરવાનું વચન આપ્યું હતું. એ સાથે જણાવ્યું કે પાલિકાએ વીજળી અને પાણીના પૈસા માફ કરવાની કોઈ માર્ગદર્શિકા બનાવી નથી. પણ જો બધા પ્રસ્તાવ તૈયાર કરે તો પ્રશાસન સમક્ષ આ મુદ્દો હું ઉઠાવીશ.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer