એનઈઈટી અને જેઈઈ પરીક્ષાના વિદ્યાર્થીઓ ચિંતામાં

મુંબઈ, તા. 30 : લૉકડાઉન અંગેની અનિશ્ચિતતા સાથે પોતાના ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા પણ વધતાં એનઈઈટી અને જેઈઈના વિદ્યાર્થીઓચિંતામાં મૂકાયા છે. સારી મેડિકલ અથવા એન્જાનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઘણાં વિદ્યાર્થી બે વર્ષથી પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે અને અનિશ્ચિત વિલંબથી હવે અસ્વસ્થ થઇ રહ્યા છે. વાલીઓના એક જૂથે નેશનલ ટેસ્ટિગએજન્સી (એનટીએ)ને પત્ર લખીને સુધારેલા સમયપત્રક મુજબ 26મી જુલાઈએ એનઈઈટી લેવાની વિનંતી કરી છે. 
વાલીઓએ પત્રમાં જણાવ્યું છે કે એનઈઈટી વધુ સ્થગિત થવાની અટકળે વિદ્યાર્થીઓમાં ગભરાટ ઉત્પન્ન કર્યો છે જેને લીધે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓને આ તાણથી રાહત આપવાની જરૂર છે. લૉકડાઉન દરમિયાન સામાજિક સંપર્ક ન રહેવાથી અને પરીક્ષામાં વિલંબને કારણે તેમના પર વધુ તાણ પડી રહી છે. પરીક્ષા કેન્દ્રમાં માસ્ક, હાથમોજાં, ફેસશિલ્ડ ફરજીયાત કરીને પરીક્ષા યોજી શકાય. 
એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે આ પરીક્ષાઓ માટે ખૂબ મહેનત કરવી પડે છે અને પરીક્ષા અત્યંત સ્પર્ધાત્મક હોય છે. છેલ્લા બે મહિનાથી તેઓ એ જ વિષયોનું સતત પુનરાવર્તન કરી રહ્યા છે. પરીક્ષાઓ રદ કરવી એ ઉપાય નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ માનત હશે કે આ દબાણ હવે હટી જાય તો સારું. પરંતુ જરૂર જણાય તો સરકારે પરીક્ષાઓ રદ કરવાને બદલે મુલતવી રાખવી જોઈએ. 
40000થી વધુ લોકોએ ઓનલાઇન પિટિશન કરીને રાષ્ટ્રીય સ્તરની બંનેપરીક્ષાઓ રદ કરવાની માગણી કરી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે માસ્ક, હાથમોજાં પહેરીને અને કોરોનાના ડર વચ્ચે પરીક્ષા આપવી એ તાણમાં વધારો કરી શકે છે. આખો દેશ મહામારીનો સામનો કરી રહ્યો હોય ત્યારે સરકાર પરીક્ષા કેવી રીતે લઇ શકે. 
એક વાલીએ જણાવ્યું હતું કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ કારણ કે પરીક્ષા વધુ મુલતવી થશે તો વિદ્યાર્થીઓની આશા અને મનોબળ તૂટી જશે. આટલી તૈયારી કરનારા વિદ્યાર્થીઓ અંતે તૂટી જાય તો એ ઘણું દુ:ખદાયક બની રહેશે. 
જેઈઈ પરીક્ષાઓ 18મીથી 23મી જુલાઈ દરમિયાન યોજાવાની છે. 
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer