જૂનના વિજ બિલ માટે કોઈનું જોડાણ કાપશો નહીં : મર્ક

જૂનના વિજ બિલ માટે કોઈનું જોડાણ કાપશો નહીં : મર્ક
મુંબઈ,તા.30: જૂન મહિનાના વીજળીના ઉંચાં બિલ અંગે અનેક સામાન્ય જન અને સેલીબ્રીટીઓ સુધ્ધાં ફરિયાદો કરી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્ર ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશને(મર્ક) વિજ કંપનીઓ એમએસઈડીસીએલ, અદાણી ઈલેક્ટ્રીસીટી, તાતા પાવર અને બેસ્ટને આદેશ આપ્યો છે કે વપરાશકારોની ફરિયાદોનો નિવેડો ન આવે ત્યાં સુધી કોઈનો વિધુત પુરવઠો કાપવો નહીં. 
એમએસઈડીસીએલના વર્તુળોએ જણાવ્યું હતું કે માત્ર 35 ટકા વપરાશકારોએ જ જૂનનાં બિલ ભર્યાં છે. અનેક લોકોએ ઊંચા વીજ બિલ ભરવાનો ઈન્કાર કર્યો છે અને કેટલાકને તો 44000 રૂપિયા સુધીનાં બિલ આવ્યાં છે.    મર્કે કહ્યું હતું કે જો ગ્રાહકોને વીજળી કંપનીઓનાં જવાબથી સંતોષ ન થાય તો તેમણે કન્ઝ્યુમર ગ્રીવાન્સ રીડ્રેસલ ફોરમને ફરિયાદ કરવી અને તે પછી તેઓ ઈલેક્ટ્રીસીટી ઓમ્બડસમેનમાં ફરિયાદ કરી શકે છે. 
અભિનેત્રી હુમા કુરેશીએ ટ્વીટ કર્યું હતું કે શું આ નવા વિજ દર છે? અદાણી ઈલેક્ટ્રીસીટીને ગત મહિનામાં 6000 રૂપિયાનું બિલ ભર્યું હતું અને આ મહિને 50,000 રૂપિયા? આ શું છે? આના પર પ્રકાશ પાડશો? 
અભિનેત્રી રેણુકા શહાનેએ ટ્વીટ કર્યું હતું કે ડીયર અદાણી ઇલેક્ટ્રીસીટી, 9 મેનાં રોજ મને 5510 રૂપિયાનું બિલ આવ્યું હતું અને જૂનમાં મને મે અને જૂનનું સંયુક્ત 29,700 રૂપિયાનું બિલ મોકલ્યું છે જેમાં તમે મે મહિના માટે 18080 રૂપિયા ચાર્જ કર્યા છે. 5510 રૂપિયા 18080 રૂપિયા કેમ થઈ ગયા? 
મર્કે જણાવ્યું હતું કે જો વધુ પડતો વિજ વપરાશ જણાય તો તત્કાળ મીટર રીડીંગ ફરી તપાસવું જોઈએ. 
કમિશન બિલીંગના પ્રશ્ને બારીક નજર રાખશે અને કોઈ ગ્રાહકને તકલીફ પડવી જોઈએ નહીં.  
મર્કે વીજળી કંપનીઓને આદેશ આપ્યો હતો કે માર્ચથી મે મહિનાના સરેરાશ બિલ કરતાં બિલ બમણાથી વધુ આવ્યું હોય એવા કેસમાં ગ્રાહકોને ત્રણ હપ્તામાં બિલ ભરવાનો વિકલ્પ આપો. અને બિલ અંગેની ફરિયાદનો એક જ દિવસમાં પ્રતિસાદ આપવા અલાયદી હેલ્પ ડેસ્ક સ્થાપવા અને અધિકારી નિમવાનો પણ આદેશ  આપ્યો હતો. 
મર્કે કહ્યું હતું કે કોઈ વિજ કંપનીઓનાં વિજ દરમાં વધારો થયો નથી. અને એપ્રિલમાં દરેક શ્રેણીમાં દર ઘટ્યા હતા. એમએસઈડીસીએલએ 5 ટકા, બેસ્ટે 1 ટકો, અદાણીએ 12 ટકા અને તાતાએ 10 ટકા ઘટાડો કર્યો હતો.અને ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જ શૂન્ય હતો. 
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer