લૉકડાઉનનો બીજો મહિનો મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 34.7 ટકાનો ઘટાડો

લૉકડાઉનનો  બીજો મહિનો મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 34.7 ટકાનો  ઘટાડો
મેન્યુફેક્ચારિંગ, માઇનિંગ અને ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો 
એપ્રિલ કરતા ઉજળો દેખાવ   
નવી દિલ્હી, તા. 10 : દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં મે 2020માં એક વર્ષ અગાઉની સરખામણીમાં 34.7 ટકા ઘટાડો થયો હતો. કોરોના વાઇરસને ખાળવા માટે સરકારે જાહેર કરેલા દેશવ્યાપી લોક ડાઉનને કારણે વિવિધ ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું હતું. 
જોકે, એપ્રિલ મહિનામાં આઇઆઇપીમાં નોંધાયેલા 57.6 ટકાના સંકોચનની સરખામણીએ મે મહિનામાં ઘણો સુધારો હતો.  
સરકારની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે શુક્રવારે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન (આઈઆઈપી)ના આંકડા જાહેર કર્યા હતા. 
મે 2020માં મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં 39.3 ટકા ઘટાડો થયો હતો જયારે માઈનીંગમાં 21 ટકા અને વીજળીમાં 15.4 ટકા ઘટાડો રહ્યો હતો.  
લોકડાઉન ને કારણે લગભગ બધા ઉદ્યોગો માર્ચના અંત ભાગથી  બંધ રહ્યા હતા. તેથી ઉત્પાદન સ્થગિત થઇ ગયું હતું એમ સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું. પરિણામે ભરોસાપાત્ર આંકડા મળી ન શકવાથી સરકારે બૃહદ આંકડા આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે નવા આંકડાઓને જુના આંકડાની સાથે સરખાવવા જોઈએ નહિ. 
કેન્દ્ર સરકારે જૂનની શરૂઆતથી લોક ડાઉન ઉઠાવવાની શરૂઆત કરી છે જેને કારણે અર્થતંત્રમાં પ્રવૃત્તિઓનો સંચાર થઇ રહ્યો છે પણ કેટલીક રાજ્ય સરકારોએ લોક ડાઉન ચાલુ રાખ્યા છે અથવા તે ફરીથી લાગુ કર્યા છે. 
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer