ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દરદીઓમાંથી 43 ટકા 30થી 59 વર્ષની વય જૂથનાં

નવી દિલ્હી, તા. 10 : કોવિડ-19ને કારણે 45 વર્ષની વધુ વયના દરદીઓનાં મૃત્યુનું જોખમ વધુ છે ત્યારે 30થી 44 અને 45થી 59 વર્ષની વય જૂથનાં દરદીઓમાં મૃત્યુનું પ્રમાણ 43 ટકા જેટલું રહ્યું હોવાનું આંકડા દર્શાવે છે.
ભારતની વસતિમાં 45 વર્ષની વધુ વયનાં 25 ટકા લોકો છે અને અત્યાર સુધી કોરોનામાં થયેલા કુલ મૃત્યુમાં 85 ટકા આ વય જૂથનાં દરદીઓનો સમાવેશ થાય છે. આ જૂથમાં પણ 45થી 64 વર્ષનાં લોકોમાં સૌથી વધુ 71 ટકા મૃત્યુ નોંધાયો છે, એમ આરોગ્ય મંત્રાલયનાં આંકડા દર્શાવે છે.
દેશમાં 30થી 44 વર્ષ અને 45થી 59 વર્ષનાં લોકોની વસતિ 37 ટકા છે અને તેમનામાં કોરોનાથી થયેલાં મૃત્યુનું પ્રમાણ 43 ટકા છે. છેલ્લે 21 મે એ આંકડા બહાર પડાયા હતા ત્યારથી મૃત્યુની ટકાવારીમાં આંકડામાં ખાસ  ફરક પડયો નથી.
દેશમાં કોરોનાના કુલ કેસ 7.67 લાખ થયા છે, જેમાંથી 4.76 લાખ દરદી સાજા થયા છે અને 2.69 લાખ એક્ટિવ કેસ છે.
સરકારે અસરકારક ક્લિનિકલ મૅનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને હાલ સાજા થવાનો દર વધીને 62.1 ટકા ઉપર પહોંચ્યો છે જે 31મી મે ના રોજ 47.4 ટકા જેટલો હતો, એમ આરોગ્ય મંત્રાલયના રાજેશ ભૂષણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ભારતમાં પ્રતિ 10 લાખ લોકોમાં કોરોના કેસ અને મૃત્યુનું પ્રમાણ વિશ્વમાં સૌથી ઓછું છે. કેટલાક દેશોમાં પ્રતિ 10 લાખ કેસોનું પ્રમાણ ભારત કરતાં 16થી 17 ગણું વધારે છે. ભારતમાં દર 10 લાખ લોકોએ મૃત્યુનું પ્રમાણ 15 છે, જ્યારે કેટલાક દેશોમાં એ 40 ગણું વધારે છે.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer