તાતિંગ વીજ બિલો બાબતે અદાણી ઈલેકટ્રીસિટીએ ગ્રાહકોને આપ્યો ઈએમઆઈ વિકલ્પ

તાતિંગ વીજ બિલો બાબતે અદાણી ઈલેકટ્રીસિટીએ ગ્રાહકોને આપ્યો ઈએમઆઈ વિકલ્પ
મુંબઈ, તા. 10 : લૉકડાઉન શિથિલ થયા બાદ વીજ કંપનીઓ તરફથી મોકલવામાં આવેલા તાતિંગ વીજ બિલોને કારણે ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા છે. તેથી ઠેકઠેકાણે આંદોલનો પણ  થઈ રહ્યા છે. અદાણી ઈલેકટ્રીસિટી મુંબઈ લિમિટેડે (એઈએમએલ) વીજળીનું તાતિંગ બિલ આવ્યું હોય તેવા ગ્રાહકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકોના જૂનના બિલ પર કોઈપણ વ્યાજ ન લેવાનો અને ત્રણ હપ્તામાં બિલ ભરવામાં આવે તો કોઈપણ વિલંબ ફી નહી લેવાનો નિર્ણય અદાણી એનર્જીએ લીધો છે. તેથી ગ્રાહકોને ઘણી રાહત થશે. 
ઓગસ્ટથી સપ્ટેમ્બર 2018ના સમયગાળામાં અદાણી વીજ કંપનીના ઉપનગરના ગ્રાહકોના વીજ બિલમાં તાતિંગ વધારો થયો હતો. લગભગ 24,48,000 ગ્રાહકોમાંથી 430000 ગ્રાહકોને તેથી આર્થિક ફટકો પડયો હતો. આ તોંતિગ બિલ માટે મોટો અસંતોષ નિર્માણ થયો હતો. વિરોધ પ્રદર્શનને કારણે રાજ્ય સરકારે તેની નોંધ લેવી પડી હતી. મે મહિનામાં ઉનાળો હોય છે અને જૂનમાં વરસાદની શરૂઆત થાય છે. આ બે મહિનામાં વીજળીનો વપરાશ વધુ હોય છે અને  ઓગસ્ટ મહિનાથી વીજળીનો વપરાશ ઘટે છે. પરંતુ કંપનીએ ઓગસ્ટ મહિના પહેલાંના ત્રણ મહિનાના આધારે જ બિલ મોકલ્યા હતા. અનેક ગ્રાહકોને 100 યુનિટ કરતા વધુ વીજળી વાપરવાના બિલ મોકલવામાં આવ્યા। આથી બિલનો દર વધ્યો હતો. ઉપરાંત કંપનીએ 27 ટકા વીજળી ચોક્કસ માધ્યમમાંથી લેતા ગ્રાહકોને વધુ દર ચૂકવવો પડયો. તેથી બિલની રકમ વધી ગઈ હતી. 
અદાણી ઈલેકટ્રીસિટીએ જૂનના બિલ પર નવ ટકા વ્યાજ લાગુ કર્યું હતું. આ અંગેના સમાચારો અખબારોમાં પ્રસિદ્ધ થતાં કંપનીએ જૂન મહિનાના બિલ પર કોઈપણ પ્રકારનું વ્યાજ ન લેવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમજ ત્રણ હપ્તામાં બિલ ભરવામાં આવશે તો કોઈપણ ફી આકારવામાં નહીં આવે એવું પણ સ્પષ્ટ કર્યું છે. 
એઈએમએલ મુંબઈ શહેર અને ઉપનગરમાં સૌથી મોટી વીજ વિતરક કમ્પની છે. કંપનીએ હવે 94 ટકા ગ્રાહકોના મીટરનું રાડિંગ લેવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં 48000 ગ્રાહકોએ વીજળીનું બિલ વધુ હોવાની ફરિયાદ કરી છે.એઈએમએલએ તેમાંથી 95 ટકા ફરિયાદોનો નિવેડો આણ્યો છે. કમ્પનીએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ એઈએમએલના ગ્રાહકો હવે પોતાના બિલની ચુકવણી વ્યાજમુક્ત હપ્તામાં કરી શકે છે. જે ગ્રાહકો પોતાના ઈએમઆઈની ચુકવણી નિયત તારીખ પહેલાં કરતાં હશે તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. 
મહારાષ્ટ્ર ઈલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી) દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો મુજબ જે ગ્રાહકોને માર્ચથી મે દરમિયાન સરેરાશ કરતાં બમણી રકમનું બિલ મળ્યું છે તેમને બિલની ચુકવણી ત્રણ ઈએમઆઈમાં કરવાનો વિકલ્પ આપવો જોઈએ. એઈએમએલના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે મહામારીના આ સમયમાં ગ્રાહકોને રાહત આપવા માટે ત્રણ વ્યાજમુક્ત એમઆઈની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે લગભગ 6.7 લાખ ગ્રાહકોએ હજી તેમના બિલ ભર્યા નથી અને કંપનીએ 750 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer