એમએમઆરમાં રેમેડેસિવિરનો ધીકતો ધંધો

એમએમઆરમાં રેમેડેસિવિરનો ધીકતો ધંધો
દસ ગણા ભાવથી તંત્ર ચોંકી ઉઠ્યું   
ગેરકાયદે સપ્લાય ચેન સામે કડક કાયર્વાહીની ડ્રગ કન્ટ્રૉલર જનરલની ચેતવણી
મુંબઈ, તા. 10 : હજુ સુધી દુનિયાભરમાં કોરોનાની કોઈ દવા માર્કેટમાં ઉપલબ્ધ નથી પરંતુ ગંભીર દરદીઓને જીવ બચાવી લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અપાતી રમેડેસિવિર દવા કાળાબજારિયાઓ બજારભાવ કરતા દસ ગણા ભાવે વેચે છે. ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલે અમલીકરણ એજન્સીઓને ગેરકાયદેસર ડિલિવરી ચેનલો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્ર સરકાર આ દવા જથ્થાબંધ  ખરીદીને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવે છે. પરંતુ ખાનગી ધોરણે રમેડેસિવિરની શીશીઓ તેની કિંમત 4,100 રૂપિયાના બદલે કાળા બજારમાં રૂ. 40,000ના ભાવે વેચાઈ રહી છે.  
જો કે હજી સુધી આ દવા બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ નથી. મુંબઈ પાલિકાએ 15,000 શીશીઓનો ઓર્ડર આપ્યો છે અને 5,900 ની પ્રથમ બેચ પ્રાપ્ત થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી કંપનીઓ અને કેટલાક ભારતીય ઉત્પાદકો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં જ રોજ લગભગ રમેડેસિવિરની 500 શીશીઓના સોદા કરે છે. 
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ના જણાવ્યા મુજબ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ ફક્ત હોસ્પિટલોમાં રિમડેસિવીર વેચી શકે છે, સૂત્રોએ જણાવ્યું હતું કે હોસ્પિટલ ફાર્મસીઓ આ ડ્રગ આશરે રૂ.  4500 સુદીમાં વેચે છે પરંતુ કાળાબજારિયા કોરોનાના દરદીઓના પરિવારોને આવી શીશી 30,000 થી 40,000 રૂપિયામાં વેચે છે.  
ગયા મહિને મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર બાંગ્લાદેશી કંપની પાસેથી રમેડેસિવિરની 10,000 શીશીઓ ખરીદશે. તબીબી શિક્ષણ અને સંશોધન નિયામક (ડીએમઈઆર) ના વડા એવા ડો. ટી. પી. લહાનેએ કહ્યું હતું કે રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં 3,000 શીશીઓ સાથે આ દવાની ટ્રાયલ શરૂ કરાશે. અજમાયશ માટેની દવા ભારતીય ઉત્પાદકો દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવાની હતી, એટલે કે દર્દીઓએ કંઈ પણ ચૂકવવું ન પડે.  જો કે, ન તો રાજ્ય સરકારે આ દવા ખરીદી છે,  ન તો મેડિકલ કોલેજોમાં ટ્રાયલ શરૂ થઈ છે. 
મંગળવારે ડીસીજીઆઈએ બ્લેક માર્કાટિંગને રોકવા માટે તેના અધિકારીઓને રમેડેસિવિરના વેચાણ અને વિતરણ પર નજર રાખવા સૂચના આપી હતી.  ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ વી.જી. સોમાનીએ અમલીકરણ એજન્સીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કેટલાક અનૈતિક લોકો દ્વારા બ્લેક માર્કાટિંગ અને રીમડેસિવીરની કિંમતો અંગેની ફરિયાદો મળી છે. આ બાબતે કાર્યવાહી કરીને જાણકારી વહેલી તકે આપવી.  
કોરોનાના ચેપમાંથી સ્વસ્થ થયા બાદ ફરીથી કામ 
શરૂ કરનારા જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડો જલીલ પારકરે, કહ્યું કે તેઓ એક મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે કે સરકાર રમેડેસિવિરની તીવ્ર અછતને પહોંચી વળવા માટે દખલ કરે, પરંતુ દર્દીઓ દવા મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. મારા દસ દર્દીઓની તાત્કાલિક રીમડેસિવીરની જરૂર છે,  પરંતુ હું લાચાર છું.   અતિરિક્ત પાલિકા કમિશનર (આરોગ્ય) સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે તેમણે તમામ ડોકટરોને ગૂગલ શીટ્સમાં વપરાયેલી પ્રત્યેક રમેડેસિવિર શીશીની નોંધ રાખવા જણાવ્યું છે. પાલિકાની હોસ્પિટલોમાં નિયુક્ત તમામ આઈએએસ અધિકારીઓને પણ આનું નિરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે.  જરૂર પડ્યે અમે ઓડિટ કરીશું.  રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ  જણાવ્યું હતું કે 100 શીશીઓની પહેલી ટુકડી બુધવારે આવી હતી અને ટૂંક સમયમાં અન્ય 5000 નો ઓર્ડર આપવામાં આવશે.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer