સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 27મા હૃદયનું દાન

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 27મા હૃદયનું દાન
કોવિડ 19 ના લોકડાઉન પછી પશ્ચિમ ભારતમાં હૃદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 : લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ મહર્ષ હર્ષદભાઈ પટેલના પરિવારે હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી,માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી અમદાવાદનું 280 કિ.મીનું અંતર 90 મીનીટમાંકાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ 35 વર્ષીય મહિલામાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.  
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જેમણે રાષ્ટ્રઉત્થાન અને યુવાનોના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યુ છે એવા જાણીતા સમાજ સેવક દિલીપભાઈ દેશમુખ (દાદા)માં અમદાવાદની આઇકેડીઆરસીમાં ડૉ.પ્રાંજલ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. બંને કિડની બે જરૂરિયાતમંદ દર્દીઓમાં આઇકેડીઆરસીમાં કરવામાં આવશે. 
અમદાવાદની સિમ્સ હોસ્પિટલ હૃદય પહોચાડવા માટે આઇએનએસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના 13 કી.મી.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસએ સહકાર આપ્યો હતો. 
ગુજરાતમાંથી અત્યાર સુધી 33 હૃદયના દાન થયા છે જેમાં સુરત માંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ સત્તાવીસમી ધટના છે, જેમાંથી 20 હૃદય મુંબઈ, 4 અમદાવાદ, 1 નવી દિલ્હી, 1 ચેન્નાઈ અને 1 ઇન્દોર ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. 
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer