રેમેડેસિવિર બાદ હવે ટોસિલિઝુમાબના ઈન્જેક્શનોની પણ અછત

રેમેડેસિવિર બાદ હવે ટોસિલિઝુમાબના ઈન્જેક્શનોની પણ અછત
મુંબઇ, તા. 10 : કોરોનાના ગંભીર દરદીઓના જીવ બચાવવા માટે અપાતી રેમેડેસિવિર દવાની અછત વચ્ચે ખાનગી ધોરણે આ દવા દસ ગણા ભાવે વેચાઇ રહ્યાના સમાચારો વચ્ચે હવે કોરોનાની સારવાર માટેના ટોસિલિઝુમાબના ઇન્જેક્શન વેચતા ઘાટકોપરના એક વિતરકને ત્યાં 500થી વધુ લોકોએ પોતાના સ્વજનોના જીવ બચાવવા આ ઈન્જેક્શન મેળવવા ધસારો કર્યો હતો.  
ગુરૂવારે બપોર બાદ ઘાટકોપરમાં દવાના વિતરક એસ.કે. ફાર્માસ્યુટિકલની સામે લોકો એકત્ર થયા હતા. સ્ટોરમાં ટોસિલીઝુમાબની 400 જેટલી શીશીઓ હતી, જેને એટલીઝુમાબ પણ કહેવામાં આવે છે,  આની એક શીશીની કિંમત આશરે 40,000 રૂપિયા છે. આ ડ્રગની અછત હોવાથી બ્લૅક માર્કેટમાં 75,000 રૂપિયા સુધી મળતી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. ઘાટકોપરમાં કતારમાં ઉભેલા  કલ્યાણના ભાસ્કર પાટીલે જણાવ્યું હતું કે મારા 39 વર્ષીય ભાભી માટે આ ડ્રગની જરૂર છે. બપોરે બે વાગ્યે કતારમાં ઊભો રહ્યો ત્યારે રાત્રે દસ વાગ્યે મને દવા મળી હતી. આ કતારમાં એક વ્યક્તિ સુરતની હતી, તો અન્ય એક શખ્સ માલેગાંવનો હતો. 
સિપ્લા દ્વારા ઉત્પાદિત ટોસિલિઝુમાબની હજુ ઓછામાં ઓછા બે મહિના અછત રહેવાની ધારણા છે. લીલાવતી હોસ્પિટલના વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ ડૉ.  જલીલ પારકરે કહ્યું કે મને કોરોનાની અસર થઇ હતી ત્યારે મારા માટે ટોસિલીઝુમાબ મેળવી શકાઇ નહોતી. સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોટોકોલ મુજબ, કોરોનાના દરદીઓને ટોસિલીઝુમાબની ઓછામાં ઓછી બે શીશીઓની જરૂર હોય છે, પરંતુ અછત હોવાથી ગઈકાલે ઘાટકોપર સ્ટોરની બહાર કતાર લગાવનારાઓને ફક્ત એક જ શીશી મળી શકી  હતી.
Published on: Sat, 11 Jul 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer