પુણે અને પિંપરી-ચિંચવડમાં ફરી લૉકડાઉન : અજિત પવાર

પુણે અને પિંપરી-ચિંચવડમાં ફરી લૉકડાઉન : અજિત પવાર
પુણે, તા. 10 : નાયબ મુખ્ય પ્રધાન અને પુણેના પાલક પ્રધાન અજિત પવારે પુણે અને પિંપરી-ચિંચવડમાં વધુ 15 દિવસ માટે લૉકડાઉન અમલમાં મુકવાની જાહેરાત કરી છે. બંને શહેરમાં લૉકડાઉનનો સમયગાળો 15 દિવસ માટે વધારવામાં આવ્યો છે. 
કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા પુણેના અમુક વિસ્તારમાં લૉકડાઉન શિથિલ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાનું જોખમ ઘટ્યું ન હોવા છતાં કેટલાક પુણેવાસીઓ વિનાકારણ ઘરની બહાર નીકળે છે. નિયમોનું પાલન થતું ન હોવાથી પુણે અને પિંપરી-ચિંચવડમાં કડક લૉકડાઉન કરાશે એમ અજિત પવારે જાહેર કર્યું હતું. 
વિધાન ભવનના ઝુંઝાર હૉલમાં શુક્રવારે કોરોના વાઇરસ મામલે મળેલી બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ અંગેની જાહેરાત કરી હતી. બેઠકમાં ઝોનલ કમિશનર ડૉક્ટર દીપક મ્હૈસકર, જિલ્લાધિકારી નવલ કિશોર રામ, પિંપરી-ચિંચવડ મહાપાલિકાના કમિશનર શ્રવણ હર્ડિકર સહિત સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
લોકોને કોરોનાની ગંભીરતા હજુ સુધી સમજાઈ નથી. આજે મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી બે દિવસમાં પુણે અને પિંપરી-ચિંચવડમાં 15 દિવસ માટે લૉકડાઉન અમલમાં મુકાશે. જેમને શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓ ખરીદવી હોય તે ખરીદી લે. આ સમયગાળા દરમ્યાન માત્ર અત્યાવશ્યક સેવા જ ચાલુ રહેશે. કોરોનાની સાંકળ તોડવી જરૂરી હોવાનું અજિત પવારે કહ્યું હતું. 
અગાઉ જિલ્લા અધિકારીએ લૉકડાઉન ફરી અમલમાં આવી શકે છે એમ જણાવ્યું હતું. કોરોનાનું જોખમ ટળ્યું નથી.આમ છતાં પુણેમાં લોકો કારણ વગર બહાર નીકળી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ રહી તો પ્રશાસને કડક પગલાં લેવા પડશે. જરૂર પડ્યે ફરી લૉકડાઉન જાહેર કરવું પડશે એવી ચીમકી જિલ્લાધિકારી નવલ કિશોર રામે ચાર દિવસ અગાઉ આપી હતી.  દરમ્યાન, પુણે જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 હજાર પર પહોંચી છે. એમાંથી 13 હજાર દરદીઓએ કોરોનાને માત આપી છે. તો 900 કરતા વધુ દરદીઓ મૃત્યુ પામ્યા છે.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer