જિઓ પ્લેટફોર્મ્સે ચાર વિદેશી રોકાણકારો પાસેથી રૂા. 30,000 કરોડ મેળવ્યા

જિઓ પ્લેટફોર્મ્સે ચાર વિદેશી રોકાણકારો પાસેથી રૂા. 30,000 કરોડ મેળવ્યા
મુંબઈ, તા.12 : જિઓ પ્લેટફોર્મે એલ કેટરટોન, પીઆઈએફ, સિલ્વર લેક અને જનરલ એટલાન્ટિક સિંગાપોરને કુલ 6.3 ટકા હિસ્સાનું વેચાણ કરીને રૂ.30,062.43 કરોડ એકત્ર કર્યા છે. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરબજારોને જાણ કરતા કહ્યું કે તેની સબસિડિયરી જિઓ પ્લેટફોર્મસે આ વૈશ્વિક રોકાણકારો પાસેથી  આ રોકાણ મેળવી તેમને શેરની ફાળવણી કરી છે. 
અત્યારસુધીમાં 11 વૈશ્વિક રોકાણકારોએ જિઓ પ્લેટફોર્મસમાં 25.09 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે, જેનુ મૂલ્ય રૂ.1.18 લાખ કરોડ છે. આ રોકાણ ઉપરાંત રૂ.53,124 કરોડના રાઈટ ઈસ્યૂના માધ્યમે કંપની ઋણમુક્ત બની છે. 
જિઓ પ્લેટફોર્મસ પાસે 40 કરોડ  સબક્રાઈબર્સ છે ઉપરાંત અન્ય ડિજિટલ મિલકતો અને રોકાણનો સમાવેશ છે. રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ એ જિઓ પ્લેટફોર્મસની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે.
રિલાયન્સની સબસિડિયરીમાં ઈન્ટરસ્ટિલર પ્લેટફોર્મ હોલ્ડિગ્સ (એલ કેટરટોન)એ 0.39 ટકા હિસ્સો રૂ.1,894.50 કરોડમાં લીધો છે, જ્યારે પીઆઈએફએ 2.23 ટકા હિસ્સો રૂ.11,367 કરોડમાં, એસએલપી રેડવુડ હોલ્ડિગ્સ અને એસએલપી રેડવુડ કો-ઈનવેસ્ટ (ડીઈ), એલ.પી. (સિલ્વર લેક)એ 2.08 ટકા હિસ્સો રૂ.10,202.55 કરોડમાં અને જનરલ એટલાન્ટિક સિંગાપોરે 1.34 ટકા હિસ્સો રૂ.6,598.38 કરોડમાં લીધો છે. 
મંગળવારે ફેસબુકની માલિકીની જાધૂ હોલ્ડિગ્સ એલએલસીએ જિઓ પ્લેટફોર્મસ લિ.માં 9.99 ટકા હિસ્સા માટે રૂ.43,574 કરોડની રકમ ચૂકવી હતી. જિઓ પ્લેટફોર્મ સાથે પહેલો સોદો ફેસબુકે કર્યો બાવીસમી એપ્રિલે કર્યો હતો. ત્યારબાદ 11 વિદેશી રોકાણકારોએ રિલાયન્સની સબસિડિયરીમાં રોકાણ શરૂ કર્યું હતું.   જિઓ પ્લેટફોર્મસના અન્ય રોકાણકારોમાં ટીપીજી, કેકેઆર, એલ કેટરટોન, જનરલ એટલાન્ટિક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, બે સોવરિન વેલ્થ ફંડ- અબુ ધાબી ઈનવેસ્ટમેન્ટ ઓથોરિટી અને મુબાદલા અને સાઉદી અરેબિયાનો પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ છે. ગયા અઠવાડિયે ઈન્ટેલ કેપિટલે રૂ.1,894.50 કરોડનું રોકાણ કંપનીમાં કર્યું હતું.   
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer